Jobs in Russia: ભારતના મિત્ર દેશોની વાત આવે ત્યારે તેમાં રશિયાનો ઉલ્લેખ જરૂર થાય છે. ભારત અને રશિયા વચ્ચેના સંબંધો દાયકાઓ જૂના છે, જેની શરૂઆત ઠંડા યુદ્ધના સમયથી થઈ હતી. હાલ રશિયામાં કામદારોની અછત સર્જાઈ છે અને તે પોતાના મિત્ર ભારત પાસેથી આ મામલે મદદ માંગે છે. રશિયાની ઇચ્છા છે કે ભારતીય કામદારો ત્યાં જઈને કામ કરે. આ માટે બંને દેશો વચ્ચે ટૂંક સમયમાં એક સમજૂતી પર હસ્તાક્ષર થવાની શક્યતા છે. રશિયાની અનેક ઉદ્યોગોમાં કામદારોની તાતી જરૂરિયાત છે.
અહેવાલ મુજબ, ભારત અને રશિયા આગામી મહિને નવી દિલ્હીમાં થનારા વાર્ષિક શિખર સંમેલનમાં રશિયામાં વધતા ભારતીય કામદારોના હકોની રક્ષા માટે “મોબિલિટી એગ્રીમેન્ટ” પર હસ્તાક્ષર કરી શકે છે. આ સમજૂતીથી આવનારા વર્ષોમાં રશિયામાં ભારતીયોની સંખ્યા વધશે. ઘટતી વસ્તીને જોતા રશિયા પોતાના દેશમાં વધુ ભારતીય કામદારો લાવવા ઉત્સુક છે. તે ઇચ્છે છે કે મોટી સંખ્યામાં ભારતીય કામદારો ત્યાં જઈને વિવિધ ક્ષેત્રોમાં કામ કરે.
કયા ક્ષેત્રોમાં નોકરી મળશે?
હાલમાં ભારતીય કામદારોને બાંધકામ (Construction) અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રોમાં સરળતાથી નોકરી મળી રહી છે. પરંતુ મશીનરી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા ક્ષેત્રોમાં પણ કર્મચારીઓની જરૂર છે. મેન્યુફેક્ચરિંગ અને હેવી મશીનરી ઉદ્યોગોને પણ વિદેશી કામદારોની માંગ છે. રશિયા ઇચ્છે છે કે કુશળ ભારતીય કામદારો એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં પણ કામ કરવા આવે. આ વર્ષના અંત સુધીમાં રશિયામાં 70 હજારથી વધુ ભારતીયો કામ કરી રહ્યા હશે, જેનો આંકડો રશિયાના શ્રમ મંત્રાલયે નક્કી કર્યો છે.
રશિયામાં કેટલા ભારતીયો છે?
મોસ્કોમાં સ્થિત ભારતીય દૂતાવાસ મુજબ, રશિયામાં હાલમાં લગભગ 14 હજાર ભારતીયો રહે છે, જેમાંથી 1,500 જેટલા ભારતીય મૂળના અફઘાન નાગરિકો છે. અહીં 500 જેટલા ભારતીય વ્યાપારીઓ પણ રહે છે. રશિયામાં આશરે 300 ભારતીય કંપનીઓ નોંધાયેલ છે, જે ચા, કોફી, તમાકુ, ફાર્માસ્યુટિકલ, ચોખા, મસાલા, ચામડાના ચંપલ, ગ્રેનાઇટ, આઈટી સેવા અને વસ્ત્ર ઉદ્યોગ સાથે જોડાયેલી છે.
તે ઉપરાંત, રશિયામાં લગભગ 4,500 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી 90 ટકા વિદ્યાર્થીઓ 20 મેડિકલ કોલેજોમાં તબીબી ડિગ્રી મેળવી રહ્યા છે. બાકી વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ, એરોનોટિકલ ડિઝાઇન, કમ્પ્યુટર સાયન્સ, ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી, મેનેજમેન્ટ, કૃષિ અને ફાઇનાન્સ ક્ષેત્રોમાં અભ્યાસ કરે છે.

