Lawyer vs Advocate: કાનૂની દુનિયામાં લૉયર અને એડવોકેટ શબ્દો અવારનવાર એકબીજાની જગ્યાએ વાપરવામાં આવે છે. ઘણા લોકો આ બંનેને એક સમાન માને છે પરંતુ તેમની વચ્ચે તફાવત હોય છે. બંને કાયદાનો અભ્યાસ કરનારા હોય છે પરંતુ તેમના રોલ અને જવાબદારીઓ અલગ-અલગ હોય છે. તેથી અહીં પૂરો ફરક સમજીએ કે એક વકીલ અને એક એડવોકેટમાં તફાવત શું છે? કેસ લડવાની પરવાનગી કોને છે અથવા તો કાનૂની બાબતો માટે કોની સલાહ લેવી જોઈએ.
લૉયર કોણ હોય છે?
લૉયર શબ્દનો ઉપયોગ સામાન્ય રીતે વકીલ માટે કરવામાં આવે છે. લૉયર એક પ્રોફેશનલ હોય છે જેણે કાયદાનો અભ્યાસ કર્યો છે અને બેચલર ઓફ લૉ (LLB) જેવી ડિગ્રી પ્રાપ્ત કરી હોય. લૉયર ક્લાયન્ટ્સને કાનૂની બાબતોમાં સલાહ આપી શકે છે, ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી શકે છે. જોકે, લૉયર સીધા કોર્ટમાં જઈને કેસ લડી શકતા નથી, તેના માટે તેમને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષા પાસ કરવી અને લાઈસન્સ લેવું જરૂરી હોય છે.
એડવોકેટ કોણ હોય છે?
એડવોકેટ એટલે કે અધિવક્તા તે હોય છે જેમને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા તરફથી લાઈસન્સ મળી ચૂક્યું હોય. આ લોકોએ બાર એક્ઝામ પાસ કરી હોય છે અને તેઓ સિવિલ, ક્રિમિનલ કે કોન્સ્ટિટ્યુશનલ બાબતોમાં બોલી શકે છે. એડવોકેટનું કામ માત્ર કાનૂની સલાહ આપવાનું જ નહીં પરંતુ કોર્ટમાં કેસનું પ્રતિનિધિત્વ કરવાનું, કેસમાં દલીલ કરવાનું અને જજ સામે દલીલો રજૂ કરવાનું હોય છે.
લૉયર અને એડવોકેટમાં તફાવત શું છે?
લૉયર અને એડવોકેટ બંને કાનૂની વ્યવસાય સાથે જોડાયેલા રોલ છે, જોકે બંનેમાં તફાવત હોય છે-
તમામ એડવોકેટ વકીલ (લૉયર) હોય છે, પરંતુ તમામ વકીલ એડવોકેટ હોતા નથી.
લૉયર તે હોય છે જેમણે LLB ની ડિગ્રી તો લીધી પણ બાર કાઉન્સિલ તરફથી લાઈસન્સ મળ્યું નથી.
એડવોકેટ તે હોય છે જેમણે માત્ર એલએલબી જ નથી કરી પરંતુ બાર કાઉન્સિલની પરીક્ષા પાસ કરી છે અને લાઈસન્સ પ્રાપ્ત કર્યું છે.
લૉયર સલાહ આપી શકે છે અને કાનૂની ડોક્યુમેન્ટ્સનો ડ્રાફ્ટ બનાવી શકે છે, પરંતુ એડવોકેટ કોર્ટમાં હાજર થવા અને કેસમાં દલીલ કરવા માટે ક્વોલિફાઈડ હોય છે.
એક બીજો તફાવત સર્ટિફિકેશનનો હોય છે. એડવોકેટ બાર કાઉન્સિલમાં એનરોલ (નોંધાયેલ) હોય છે જ્યારે જો વકીલ માત્ર કાનૂની સલાહકાર તરીકે કામ કરતા હોય તો તેમને તેમ કરવાની જરૂર ન પડી શકે.
કોર્ટમાં કેસ કોણ લડી શકે છે?
માત્ર બાર કાઉન્સિલમાં એનરોલ થયેલા વકીલ જ કોર્ટમાં પ્રતિનિધિત્વ કરી શકે છે. જે વકીલ એડવોકેટ તરીકે રજિસ્ટર્ડ નથી, તો તેઓ સીધા કોર્ટમાં જઈને કેસ લડી શકતા નથી. આ માટે તેમણે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (BCI) પરીક્ષા પાસ કરવી અને લાઈસન્સ લેવું પડે છે. જ્યાં સુધી કોઈ લૉયર બાર કાઉન્સિલ પાસેથી લાઈસન્સ નથી લઈ લેતું ત્યાં સુધી તે માત્ર સલાહ આપવા સુધી મર્યાદિત રહે છે.
કેવી રીતે બનાય છે વકીલ અને એડવોકેટ?
વકીલ બનવા માટે કેન્ડિડેટને કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ લૉ (LLB) ની ડિગ્રી પૂરી કરવી પડે છે. ત્યારબાદ લીગલ એડવાઈઝર, કન્સલ્ટન્ટ કે કોર્પોરેટ લીગલ પ્રોફેશનલ તરીકે કામ કરી શકે છે. જોકે, એડવોકેટ બનવા માટે લૉ ગ્રેજ્યુએટે સ્ટેટ બાર કાઉન્સિલમાં એનરોલ કરવું પડે છે અને સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ માટે ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશન (AIBE) પાસ કરવી પડે છે. આ એનરોલમેન્ટ અને સર્ટિફિકેશન પછી જ કોઈ વ્યક્તિ કોર્ટમાં લૉ પ્રેક્ટિસ કરવા અને જજ સામે પોતાના ક્લાયન્ટનું પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બને છે.

