`નીટ’ના કૃપાગુણનો નિર્ણય રદ થયો, વિદ્યાર્થીઓની જીત થઈ

Reena Brahmbhatt
3 Min Read

નવી દિલ્હી, તા. 13 : `નીટ’ પરીક્ષા પર સર્જાયેલા વિવાદ વચ્ચે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં વિદ્યાર્થીઓની જીત થઈ હતી. સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે ટોચની અદાલતને જણાવ્યું હતું કે, નીટ-યુજી 2024ના 1563 ઉમેદવારને કૃપાગુણ દેવાનો નિર્ણય પાછો ખેંચી લેવાયો છે. નેશનલ ટાસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આ ફેંસલો કર્યો છે. આવા ઉમેદવારોને 23 જૂનના ફરી પરીક્ષા દેવાનો વિકલ્પ અપાશે. જેનાં પરિણામ 30મી જૂનનાં આવશે. કાઉન્સેલિંગ છ જુલાઈમાં જ શરૂ કરાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પરીક્ષા યોજાશે તો બધું જ યોગ્ય રીતે થશે, એટલે ડરવાની કોઈ જરૂર નથી.

neet

- Advertisement -

નીટની પરીક્ષા ગુજરાતમાંથી 80 હજાર સહિત દેશભરમાંથી 24 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓએ આપી હતી. ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં નીટ – યુજી 2024નાં પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ માગણી કરવામાં આવી હતી… સીટ-એક્સપર્ટ કમિટીએ પરીક્ષામાં ગેરરીતિના આરોપોની તપાસ કરવી જોઈએ, વર્તમાન પરિણામો પર આધારિત કાઉન્સાલિંગ બંધ કરવું જોઈએ અને નીટની પરીક્ષા રદ કરવી જોઈએ અને પરીક્ષા ફરીથી યોજવી જોઈએ. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેપર લીકના આરોપોને ફગાવી દીધા અને કહ્યું કે, તેના કોઈ પુરાવા નથી.

તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું, એનટીએ પર ભ્રષ્ટાચારના આરોપો પાયાવિહોણા છે. તે ખૂબ જ વિશ્વસનીય સંસ્થા છે. સુપ્રીમ કોર્ટ આ મામલે સુનાવણી કરી રહી છે અને અમે તેના નિર્ણયનું પાલન કરીશું. અમે સુનિશ્ચિત કરીશું કે કોઈ વિદ્યાર્થીને નુકસાન ન થાય. અગાઉ 11 જૂને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરી હતી. પરિણામની જાહેરાત પહેલાં 1 જૂનના ફાઇલ કરવામાં આવી હતી. ઉમેદવારોએ બિહાર અને રાજસ્થાનનાં પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી અને પરીક્ષા રદ કરવા અને સીટ તપાસની માંગ કરી હતી. સુપ્રીમે નીટ કાઉન્સાલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને એનટીએને નોટિસ જારી કરી હતી. કોર્ટે પેપર લીક, ગ્રેસ માર્કિંગ અને અન્ય અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. અમાનુલ્લાની બેન્ચે કહ્યું હતું કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, અમને જવાબ જોઈએ છે. નોટિસમાં બેન્ચે કેન્દ્ર અને પરીક્ષા આયોજક એજન્સી એનટીએ પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સાથે જ એનટીએએ કહ્યું છે કે, પરીક્ષા સાચી છે.

- Advertisement -
Share This Article