Kantara Chapter 1 Movie Leak: કન્નડ સુપરસ્ટાર ઋષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતારા ચેપ્ટર 1’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને પહેલા જ દિવસે સારુ પ્રદર્શન કરી અંદાજે 75 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી છે. પણ બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પ્રદર્શન કરતી આ ફિલ્મ હવે ઑનલાઇન લીક થઈ હોવાના સમાચાર પણ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ફિલ્મ ઓનલાઇન લીક થઈ ગઈ છે. ત્યારબાદ ઋષભ શેટ્ટીએ પણ તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરીને ચાહકોને ખાસ અપીલ કરી હતી. ઋષભે પોસ્ટ કરતા લખ્યું કે, ‘કાંતારા ચેપ્ટર વન જેટલી મારી છે તેટલી તમારી પણ છે. હું તમને વિનંતી કરું છું કે કૃપા કરી ફિલ્મના સીનના ફોટો અને વીડિયો શેર કરતા પાઇરેસીને પ્રમોટ ન કરો, કાંતારાનો જાદુ સિનેમા સુધી જ સીમિત રહેવા દો, જેથી લોકો તે અનુભવ કરી શકે જે ઉદ્દેશ્યથી આ ફિલ્મ બનાવવામાં આવી છે.’
પહેલા દિવસે રચ્યો ઇતિહાસ
જણાવી દઈએ કે ,ઋષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા ચેપ્ટર 1ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને પહેલા દિવસે જ ફિલ્મે બૉક્સ ઓફિસ પર ઇતિહાસ રચ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, પહેલા જ દિવસે આ ફિલ્મે 75 કરોડ રૂપિયાની કમાણી કરી ઇતિહાસ રચ્યો હતો. સાઉથ સિનેમાની ઘણી ઓછી ફિલ્મ છે જે ઓપનિંગ ડે પર બૉક્સ ઑફિસ પર આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ફિલ્મ બીજા દિવસે પણ કમાલનું પ્રદર્શન કરી રહી છે. સાથે લોકો ઘણા વખાણ પણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ ફિલ્મ વિકેન્ડ પર 100 કરોડના ક્લબમાં સામેલ થશે કે નહીં.
2022માં રિલીઝ થઈ હતી કાંતારા
નોંધનીય છે કે, ઋષભ શેટ્ટીની સિનેમેટિક કારકિર્દી 2022માં શરૂ થઈ હતી, જ્યારે ‘કાંતારા’ 30 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ થયા પછી ખૂબ જ સફળ રહી હતી. ફિલ્મને ઉત્તર અને દક્ષિણ એશિયામાં ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. ફિલ્મે ₹360 કરોડની કમાણી કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા હતા. આ જ કારણ છે કે આ ફિલ્મ રિલીઝ થયા પછી ચાહકો કાંતારા ચેપ્ટર 1ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આગામી હપ્તાની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, અને હવે, તે થિયેટરોમાં પણ ચાલી રહી છે.

