ભુજ, તા. 17 : છેલ્લા એકાદ સપ્તાહથી કચ્છના દરિયાકાંઠેથી બિનવારસુ માદક પદાર્થના પેકેટસ મળી રહ્યા છે અને સિલસિલો હજુય બરકરાર રહ્યો છે અને જે રીતે વિવિધ?સુરક્ષા એજન્સીઓ તથા પોલીસને આ પેકેટસ મળી રહ્યા છે તેમાં હવે પેકેટસ અને તેની કિંમતના આંક તથા કોને મળ્યા તેમાં અસમંજસતા સર્જાઇ છે.
માંડવીના ગ્રામીણ દરિયાકાંઠેથી માંડવી પોલીસને માદક પદાર્થ ભરેલો આખે આખો બેરલ મળ્યો હતો જેમાં ચાર બાચકામાંથી 40 ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. જખૌ વિસ્તારમાં મરિન કમાન્ડોને 10 ચરસના પેકેટ તો કોટેશ્વર વિસ્તાર, ખિદરત ટાપુ જેવા વિસ્તારમાંથી બીએસએફ, સ્ટેટ આઇબી, જખૌ મરિન પોલીસને બે દિવસમાં ડ્રગ્સના 31 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા છે. આમ, ફરી ત્રણ દિવસમાં જ 100 ડ્રગ્સના પેકેટ જેની કિં. રૂા. 50 કરોડ થવા જાય છે તે મળી આવતાં સુરક્ષા એજન્સીઓ અને પોલીસની દોડધામ વધી છે. આજે માંડવી પોલીસ ગ્રામ્ય વિસ્તારના સમુદ્ર ક્ષેત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાંભડાઇની સીમના દરિયાકાંઠેથી બ્લુ કલરનો બેરલ મળી આવ્યો હતો જે શંકાસ્પદ લાગતાં તેને તોડતાં તેમાંથી ચાર બાચકા મળ્યા હતા અને તેને ખોલતાં અગાઉ મળેલા મોંઘેરા ચરસની પેકેજિંગવાળા જ ચરસના 40 પેકેટ મળી આવ્યા હતા.

આ મોંઘેરા ચરસની એક કિલોના એક પેકેટની કિંમત રૂા. 50 લાખ?છે. આ કામગીરીમાં માંડવી પી.આઇ. ડી. ડી. શિમ્પી, એ.એસ.આઇ. વાછિયાભાઇ, હે.કો. લીલાભાઇ દેસાઇ, મેહુલભાઇ જોશી, ભલાભાઇ?ખરાડી, ડ્રાઇવર-હે.કો. જેસિંગભાઇ?જોડાયા હતા. આ ઉપરાંત મરિન કમાન્ડોના જખૌ સેક્ટરના ઇન્ચાર્જ આઇ.જી.પી. અમિત વિશ્વકર્મા અને એસ.પી. શ્રી સુમરાના આદેશને પગલે પી.એસ.આઇ. કે. સી. પટેલ અને મરિન કમાન્ડોની ટીમ દરિયાઇ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં માદક પદાર્થ ચરસના 10 પેકેટ બિનવારસુ હાલતમાં મળ્યા હતા. બીજીતરફ આજે કોટેશ્વર ક્ષેત્રની ક્રીકમાંથી બીએસએફની 18 બટાલિયનના સર્ચ ઓપરેશન દરમ્યાન વધુ 19 ડ્રગ્સના પેકેટ?મળી આવ્યા હતા. છેલ્લા ચાર દિવસમાં બીએસએફે?ડ્રગ્સના 50 પેકેટ કબજે કર્યાનું સામે આવ્યું છે. હજુ પણ બીએસએફના જવાનો દ્વારા નિર્જન?ટાપુ અને ક્રીકમાં આ સર્ચ ઓપરેશન જારી છે. જ્યારે ગઇકાલે ખિદરત ટાપુ પરથી 10 અને કોટેશ્વર લાઇટ હાઉસ પાસેથી એક ચરસનો પેકેટ જખૌ મરિન પોલીસ, સ્ટેટ આઇ.બી. અને બીએસએફના જવાનો સંયુક્ત પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મળ્યા હતા. જ્યારે આજે જખૌ અને જખૌ મરિન પોલીસને 10-10 ચરસના પેકેટ?મળ્યા હતા.

