ખેરગામમાં 15 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ

Reena Brahmbhatt
5 Min Read

સુરત/અમદાવાદ, તા. 25 : ઉકાઈ ડેમમાં પાણીની આવક 310651 ક્યુસેકની સામે ડેમમાંથી 151832 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવતાં તાપીએ તેનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. બન્ને કાંઠે વહેતી તાપીમાં પાણીની માત્રા વધતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. ડેમની સપાટી 335.38 ફૂટ પર પહોંચી છે. નવસારીના ખેરગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચથી વધુ વરસાદ ઝીંકાયો છે. વાપીમાં પણ 13 ઈંચ ખાબકતાં સર્વત્ર પાણી છવાયું હતું. રાજકોટમાં છ ઈંચ વરસાદે જળબંબોળ સ્થિતિ સર્જી?હતી. રાજ્યમાં ભારે વરસાદે 288 રસ્તા બંધ થતાં વાહનવ્યવહાર ઠપ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લા અંગે માહિતી મેળવી હતી. રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે.

SPn24pge rain 1

- Advertisement -

દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડમાં ભારે વરસાદ નોંધાયો હતો. નવસારીમાં પૂર્ણા નદીની સપાટી 17 ફૂટ પહોંચી હતી. ખેરગામમાં છેલ્લા ચોવીસ કલાકમાં 15 ઇંચ વરસાદ પડ્યો હતો. ડાંગ, આહવામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. નવસારીની અંબિકા અને કાવેરીમાં નવા નીરની આવક થઈ હતી. 400 ઘરમાં કાવેરીનાં પાણી ઘુસ્યાં હતાં. નીચાણવાળા વિસ્તારોના લોકો માંડ માંડ અન્યત્ર ખસેડાયા હતા. વલસાડની વાંક નદીના ધસમસતા પાણીમાં કાર તણાઈ હોવાનું સામે આવ્યું છે.

કારચાલકનો આબાદ બચાવ થયો હતો. વલસાડના ભોમાપારડી, કાંજરણછોડ વચ્ચે વાંકી નદી પરના લો-લેવલ પુલ પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર થઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી મોડી સાંજ સુધીમાં સુરત જિલ્લાના ઓલપાડમાં 21મિ.મી., માંગરોળમાં 61 મિ.મી. અને સૌથી વધુ ઉમરપાડામાં 88મિ.મી. વરસાદ નોંધાયો છે. નવસારીના જલાલપોરમાં 63 મિ.મી. , ગણદેવીમાં 134 મિ.મી. , ચીખલીમાં 171 મિ.મી., વાંસદા 172 મિ.મી., ખેરગામમાં 527 મિ.મી. અને નવસારી સિટીમાં 87 મિ.મી. નોંધાયો છે. તાપી જિલ્લામાં નીઝરમાં 88 મિ.મી., ઉચ્છલમાં 110 મિ.મી. , સોનગઢમાં 129 મી.મી., વ્યારામાં 94 મિ.મી., વાલોડમાં 64 મિ.મી., કુંકરમુડા 132 મિ.મી. અને ડોલવણમાં 59 મિ.મી. વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના સુબીરમાં 134 મિ.મી., વઘઈમાં 166 મિ.મી., આહવામાં 180 મિ.મી., સાપુતારામાં 179 મિ.મી. વરસાદ નોંધાયો છે. વલસાડ જિલ્લામાં ધરમપુરમાં 375 મિ.મી., પારડી 421 મિ.મી., કપરાડા 435 મિ.મી., ઉમરગામમાં 241 મિ.મી. અને વાપીમાં 450 મિ.મી. તથા વલસાડ સિટીમાં 361 મિ.મી. વરસાદ નોંધાયો છે. અમદાવાદના હેવાલ મુજબ એક તરફ ગુજરાત કૃષ્ણ જન્મોત્સવના ઉત્સાહમાં છે ત્યારે, કૃષ્ણના જન્મ સમયે હતો એવો જ અનરાધાર વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદરમાં મેઘમહેર થઈ હતી.

- Advertisement -

રાજકોટમાં અત્યાર સુધી વરસાદની ઘટ હતી પરંતુ શનિવાર મધરાતથી રવિવાર સુધીમાં 6 ઈંચથી વધારે વરસાદ વરસી ગયો છે. રાજ્યમાં સર્વત્ર, અવિરત પડેલા વરસાદને લીધે જનજીવન પર અસર પડી છે. જો કે વરસાદની પ્રતીક્ષા અનેક જિલ્લા-વિસ્તારમાં હતી ત્યાં હાશકારો પણ અનુભવાયો છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં સાર્વત્રિક રીતે પડી રહેલા વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત જિલ્લાઓના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત કરીને સમગ્ર સ્થિતિની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રીએ આ સાતેય જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળે સ્થળાંતર કરવા સાથે જાનમાલ, પશુધન વગેરેની સલામતી માટેના પ્રબંધન અંગે પણ સૂચનાઓ આપી હતી એટલું જ નહીં તેમણે વરસાદ પ્રભાવિત વિસ્તારોમાં જરૂર જણાયે એસડીઆરએફ-એનડીઆરએફની ટીમની મદદ માટે પણ ખાતરી આપી હતી. અતિભારે વરસાદના કારણે રાજ્યમાં અંદાજે 288 માર્ગવ્યવહાર ખોટવાયા છે. જેમાં 7 સ્ટેટ હાઈવે, 268 પંચાયત હસ્તકના રસ્તાઓ અને 13 અન્ય રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ છે.

હવામાન વિભાગે આજે પણ તેની આગાહીમાં ગુજરાત સહિત 9 રાજ્યોમાં રેડએલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્યમાં હજુ પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યભરમાં આવતીકાલે પણ ભારે વરસાદના અનુમાનને લઇને ચાર જિલ્લામાં રેડ એલર્ટ, 22 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે કચ્છ સહિત 8 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરે આપેલા આંકડા મુજબ આજ સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી રાજ્યના 152 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જે મુજબ, સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં 240 મિ.મી. નોંધાયો છે. જ્યારે વલસાડમાં 166 મિ.મી., ધરમપુરમાં 143 મિ.મી., રાજકોટના પડધરી અને નર્મદાના સાગબારામાં 124 મિ.મી., વલસાડના કપરાડામાં 123 મિ.મી., ડાંદ-આહવામાં 121 મિ.મી.,વલસાડના પારડીમાં 120 મિ.મી., તાપીના કુકરમુંડામાં 112 મિ.મી., રાજકોટમાં 106 મિ.મી., વલસાડના વાપીમાં 106 મિ.મી., નર્મદાના ડેડિયાપાડમાં 105 મિ.મી. અને ડાંગના વઘઇમાં 104 મિ.મી. વરસાદ નોંધાયો હતો, ત્યારે અન્ય 138 તાલુકાઓમાં 1 મિ.મી. થી 88 મિ.મી. સુધીનો વરસાદ થયો છે.

- Advertisement -
Share This Article