અમદાવાદ, તા. 10 : હવામાન વિભાગ દ્વારા અરબ સાગર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન ઉત્તર-પૂર્વમાં સર્જાયેલા સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હાલમાં ગુજરાત પાસે ચાર સિસ્ટમ સક્રિય થઇ છે જેમાં રાજસ્થાન પર બે, મધ્યપ્રદેશ પર એ અને અરબસાગર પર એક સિસ્ટમ સક્રિય થઇ છે. જેના પરિણામે જેમાં 11મી મેથી 15 સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ, સુરત અને નર્મદા જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. એવામાં હવામાન નિષ્ણાંત દ્વારા આગામી 15મી મેથી ગુજરાતના વિવિધ ભાગોમાં ગરમીને લઈને મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની ગઈકાલની આગાહી મુજબ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં જ વરસાદની શક્યતા હતી પરંતુ હવે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાના સંકેતો અપાયાં છે. જેમાં 11 મેએ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, 12મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, 13મીએ અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, 14મીએ વલસાડ, નવસારી, ડાંગ, તાપી, બોટાદ, જામનગર, અમરેલી, ભાવનગર અને 15મીએ વલસાડ, નવસારી, ડાંગ, તાપીનો સમાવેશ થાય છે. નિણાંતોના અનુસાર, આગામી 15 થી 20મી મે દરમિયાન આકરી ગરમી પડશે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 44 ડિગ્રીને પાર જઈ શકે છે.

જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં 46 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. હવામાન નિષ્ણાતોએ ચોમાસા અંગે એવો અહેવાલ આપ્યો હતો કે અખા ત્રીજે નૈઋત્યનો પવન હોવાથી આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે. એટલે કે 7મી જૂને દરિયામાં પવનની દિશા બદલાશે, જેથી 14 જૂન સુધીમાં ચોમાસું આવવાની શક્યતા રહેશે. આ વર્ષે આંધીનું પ્રમાણ વધારે રહી શકે છે. પ્રશાંત મહાસાગર ગરમ રહેવાથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં મે મહિનાના અંત અને જૂન મહિનાની શરૂઆતમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે. 16 થી 24 મેં દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુમાં ચોમાસું બેસવાની શક્યતા છે.
