અમદાવાદ, તા. 16 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજ્યની મેડિકલ કોલેજોમાં લાખો રૂપિયાનો વધારો કરવામાં આવતાં વિદ્યાર્થીઓએ નારાજગી સાથે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો, જે બાદ આખરે હવે રાજ્ય સરકાર આ મામલે ઝૂકી છે અને ગવર્નમેન્ટ ક્વોટામાં રૂા. 1.75 લાખ અને મેનેજમેન્ટ ક્વોટોમાં રૂા. 5ાંચ લાખ ઘટાડયા છે. પ્રવર્તમાન ફીનું માળખું મેડિકલ શૈક્ષણિક વર્ષ 2024-25થી જ લાગુ પડશે. અહીં નોંધવું ઘટે કે, અગાઉ ગત 28 જૂને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (જીએમઇઆરએસ) અંતર્ગત આવતી મેડિકલ કોલેજોમાં સરકારે મોટો ફી વધારો ઝીંક્યો હતો, જેમાં એમબીબીએસની સરકારી ક્વોટાની રૂા. 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરી દીધી હતી અને મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂા. 9.75 લાખથી વધારીને 17 લાખ કરી દીધી હતી તેમજ એનઆરઆઇ ક્વોટાની વાર્ષિક ફી 22 હજાર યુ.એસ. ડોલરથી વધારીને 25 હજાર ડોલર કરી દીધી હતી.

આ ફી વધારો વર્ષ-2024-25માં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને લાગુ પડવાનો હતો. જો કે, રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ આ નિર્ણયનો વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. જે બાદ આખરે હવે આ મામલે સરકાર ઝૂકી છે અને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના મેડિકલ વિદ્યાર્થીઓના હિતમાં રાજ્યની 13 જીએમઇઆરએસ કોલેજની 21000 બેઠકમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો હતો. તદ્અનુસાર ગવર્નમેન્ટ ક્વોટામાં પ્રવર્તમાન રૂા. 5.50 લાખ ફીમાંથી ઘટાડીને રૂા. 3.75 લાખ એટલે કે, અંદાજિત 80 ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં રૂા. 17 લાખ ફીમાંથી ઘટાડો કરીને રૂા. 12 લાખ એટલે કે, અંદાજિત 62.5 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હોવાનું આરોગ્યમંત્રી હૃષીકેશ પટેલે જણાવ્યું હતું.

