Bhavnagar Somnath Highway cracks: ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે, જે અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ અને પીપાવાવ જેવા મહત્વપૂર્ણ વિસ્તારમાંથી પસાર થાય છે, તે હાલમાં ગંભીર ચર્ચાનો વિષય બન્યો છે. સીઝનના પ્રથમ વરસાદમાં જ આ હાઇવેની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. ખાસ કરીને રાજુલાના ચારનાળા નજીક આવેલા બ્રિજ પર સીસી રોડમાં પડેલી મસમોટી તિરાડો અને માર્ગનું ફાટી જવું એ નબળા કામગીરીનું સીધું ઉદાહરણ છે. હજારો વાહનોની અવરજવર ધરાવતા આ મહત્વપૂર્ણ નેશનલ હાઈવે પર વરસાદ પડતાની સાથે જ રોડની આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સમારકામ છતાં ટકી ન શક્યો રોડ
આશ્ચર્યની વાત તો એ છે કે, થોડા દિવસ અગાઉ જ આ વિસ્તારમાં ખાડા-તિરાડો પૂરવાની સમારકામની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ પ્રથમ વરસાદે જ આ કામગીરીની પોલ ખોલી નાખી છે, અને તે જ સ્થળોએ ફરીથી રોડ ફાટી ગયો છે. વાહનચાલક પ્રવીણસિંહ પરમારના મતે, જે રોડનું સમારકામ હજુ ગણતરીના દિવસો પહેલા જ થયું હતું, તે વરસાદના પહેલા ઝાપટા સામે પણ ટકી શક્યું નથી. આ સ્થિતિ સૂચવે છે કે રોડ બનાવવામાં કે રિપેર કરવામાં વપરાયેલી સામગ્રી અને પદ્ધતિમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામી રહી ગઈ છે. રોડની સપાટી પર પડેલી આ તિરાડોને કારણે વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ સતત વધી રહ્યું છે.
કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહીની માંગ
આ ગંભીર મામલે વાહનચાલકો અને સ્થાનિકોએ જવાબદાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. નેશનલ હાઇવે જેવા મહત્વપૂર્ણ માર્ગો પર આવી બેદરકારી કેમ રાખવામાં આવે છે, તે એક મોટો પ્રશ્ન છે. લોકોની માંગ છે કે આ સમગ્ર માર્ગની ગુણવત્તાની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવામાં આવે. તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવશે અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી થશે કે નહીં, તે જોવું રહ્યું. હાલમાં તો આ તૂટેલો રસ્તો વાહનચાલકો માટે મુસીબતનો પર્યાય બની ગયો છે અને તંત્રની કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ચિહ્નો મૂકી રહ્યો છે.

