લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે એનડીએ માટે મિશન 400ની તૈયારી કરી રહેલા ભાજપે

newzcafe
4 Min Read

ગુજરાતમાં બી જે પી દ્વારા લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા


 


નવી દિલ્હી, તા. 2 : લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે એનડીએ માટે મિશન 400ની તૈયારી કરી રહેલા ભાજપે આજે 19પ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજીવાર વારાણસીથી લડશે, તો દિગ્ગજ નેતાઓ અમિત શાહ ગાંધીનગરથી અને રાજનાથસિંહ લખનઉથી જાળવી રખાયા છે. 


 


ભાજપની આ સૂચિમાં મોદીના ગૃહ રાજ્ય ગુજરાતના 1પ ઉમેદવારની પણ આજે ઘોષણા કરવામાં આવી હતી, જેમાં કચ્છથી સતત ત્રીજીવાર વિનોદ ચાવડાને ટિકિટ અપાઈ છે, તો કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાને પોરબંદર, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટિલને નવસારીની ટિકિટ અપાઈ છે. ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ આજે અહીં એ પત્રકાર પરિષદમાં જાહેર  કરેલી યાદીમાં 34 કેન્દ્રીયમંત્રી અને બે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને બિપ્લવ દેબ પણ સામેલ છે. ભાજપે સૂચિમાં 29.23 ટકા ઓબીસી, 14.3 ટકા મહિલા અને 13.8 ટકા અનુસૂચિત જાતિના ઉમેદવારને સામેલ કર્યા છે અને ચૂંટણી પૂર્વે દરેક વર્ગને સમાવિષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપની પહેલી યાદીમાં મોટાપાયે આશ્ચર્યજનક પસંદગી જોવા મળી નહોતી. ભાજપે એક સાથે 16 રાજ્ય અને બે કેન્દ્રીય પ્રદેશ માટે 19પ ઉમેદવારોનાં નામો જાહેર કરી દીધા છે. 


 


પહેલી યાદીમાં 34 કેન્દ્રીયમંત્રી અને રાજ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. લોકસભા અધ્યક્ષ ઓમક બિરલા પણ આ યાદીમાં છે. આ ઉપરાંત શિવરાજસિંહ ચૌહાણ સહિત ત્રણ પૂર્વ મુખ્યમંત્રી, સુષ્મા સ્વરાજનાં પુત્રી બાંસુરી સ્વરાજ સહિત 28 મહિલા અને 47 જેટલા પ0 વર્ષથી ઓછી વયનાં યુવા ઉમેદવારો આમાં સામેલ છે. ભાજપની આ પહેલી યાદીમાં 27 એસસી, 18 એસટી અને પ7 ઓબીસી ઉમેદવાર છે.  પક્ષે કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી મિનાક્ષી લેખી, પૂર્વ આરોગ્ય મંત્રી હર્ષવર્ધન, સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, કેન્દ્રીય રાજ્યમંત્રીઓ રામેશ્વર તેલી અને જોન બારલાને બાકાત રાખ્યા છે. ચાર ભોજપુરી કલાકારો પર પસંદગીનો કળશ ઢોળાયો છે. 195 નામમાં એકમાત્ર મુસ્લિમ ચહેરો છે. કેરળની મલપુરમ બેઠક પર ડો. અબ્દુલ સલીમને ઉતારવાની જાહેરાત થઇ છે. આ યાદીમાં સૌથી વધુ પ1 ઉમેદવાર ઉત્તરપ્રદેશ માટે જાહેર કરી દેવામાં આવ્યા છે. 


 


આ ઉપરાંત મધ્યપ્રદેશના 24, પશ્ચિમ બંગાળના 20, ગુજરાત અને રાજસ્થાનના 1પ-1પ, કેરળનાં 12, તેલંગણના 9, આસામ, ઝારખંડ અને છત્તીસગઢના 11-11, દિલ્હીના પ, અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના 2-2, ઉત્તરાખંડના 3, ગોવા, ત્રિપુરા, અંદામાન-નિકોબાર, દીવ-દમણના 1-1 ઉમેદવારોનાં નામનું એલાન કરી દેવામાં આવ્યું છે.  મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજને વિદિશાથી, ત્રિપુરાનાં પૂર્વ મુખ્યમંત્રી વિપ્લવ દેવ ત્રિપુરા પશ્ચિમ અને આસાનાં પૂર્વ મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ ડિબ્રુગઢથી ચૂંટણી લડશે, જ્યારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પોતાની કોટા બેઠક ઉપરથી ફરી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથસિંહ લખનઉમાંથી ચૂંટણી લડશે. આ યાદી અનુસાર કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર કેરળનાં તિરુવનંતપુરમથી, કિરેન રિજિજુ અરુણાચલ પૂર્વથી, ભૂપેન્દ્ર યાદવ રાજસ્થાનનાં અલવરથી, જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્યપ્રદેશનાં ગુનાથી, સંજીવ બાલિયાન મુઝફ્ફરનગર અને સ્મૃતિ ઈરાની અમેઠીથી ચૂંટણી લડશે. ભોપાલમાં વર્તમાન સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું પત્તુ કપાઈ ગયું છે અને તેમનાં સ્થાને આલોક શર્માને ત્યાંથી ઉમેદવારી આપવામાં આવી છે. 


 


નવી દિલ્હીથી કેન્દ્રીયમંત્રી મીનાક્ષી લેખીની જગ્યાએ પૂર્વ કેન્દ્રીયમંત્રી સુષ્મા સ્વરાજનાં પુત્રી બાંસુરીને, ચાંદની ચોકથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધનનાં સ્થાને પ્રવીણ ખંડેલવાલ, જ્યારે ભાજપનાં પૂર્વ દિલ્હી પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીને ફરી એકવાર પૂર્વ દિલ્હીથી ચૂંટણી લડાવવામાં આવી રહી છે. મથુરા બેઠક ઉપર ભાજપે ફરીથી હેમા માલિની ઉપર ભરોસો મૂક્યો છે. 


 


આજે ઉમેદવારોનાં નામની ઘોષણા પહેલા 29મી ફેબ્રુઆરીએ મોડી રાત સુધી ભાજપની બેઠક ચાલી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પક્ષના અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના અન્ય સદસ્યો દ્વારા ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠક પછી એવી અટકળો હતી કે, ભાજપ દ્વારા 100થી 12પ જેટલા ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવી શકે છે. જો કે, ભાજપે આ ધારણાની વધુ બેઠક જાહેર કરીને બધાને ચોંકાવ્યા છે. 

Share This Article