કચ્છમાં ભુજ-ભચાઉ ફોરલેન, એકલ-બાંભણકા સહિતના રસ્તાનાં કામો ઉપરાંત

newzcafe
1 Min Read

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કચ્છમાં એક હજાર કરોડનાં કામોનો આજે કરાવશે પ્રારંભ


ભુજ, તા. 4 : કચ્છમાં ભુજ-ભચાઉ ફોરલેન, એકલ-બાંભણકા સહિતના રસ્તાનાં કામો ઉપરાંત અંજાર, મુંદરાની પાણી યોજનાઓ મળીને રૂા. એક હજાર કરોડના વિકાસ-કામોનું ભૂમિપૂજન તથા લોકાર્પણ કરવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે તા. 5/3ના સાંજે કચ્છ આવી રહ્યા છે. મળેલી માહિતી પ્રમાણે આવતાં સપ્તાહે ચૂંટણી જાહેર થતાં આચારસંહિતા લાગુ પડી શકે છે ત્યારે સરકારની વિકાસ યોજનાઓનાં કામો ઝડપભેર આટોપવાના પ્રયાસો ચાલે છે એ ભાગરૂપે મુખ્યમંત્રી શ્રી પટેલ કચ્છને પણ ભેટ આપવા આવી રહ્યા છે. 


 


રૂા. 996 કરોડના 12 કામનું ખાતમુહૂર્ત થશે, જ્યારે 11 કરોડના આઠ કામનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રી કરવાના છે. મળેલી માહિતી પ્રમાણે ભુજ-ભચાઉ માર્ગ પર શિકરા ગામે યોજનારા કાર્યક્રમમાં સાંજે ચાર વાગ્યે મુખ્યમંત્રીના હસ્તે ઇ-તક્તી દ્વારા ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવશે. શ્રી પટેલ હવાઇમાર્ગે ભુજ આવશે અને ભુજના એરપોર્ટ પરથી ભચાઉ હેલિકોપ્ટરમાં જશે. સમારોહ બાદ સાંજે પાંચ વાગ્યા પછી નજીકની યુરો સ્કૂલના હોલમાં કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા-તાલુકા સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. બેઠક અંગે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ?દેવજીભાઇ વરચંદનો સંપર્ક સાધતાં તેમણે સમર્થન આપ્યું હતું. સાંસદ વિનોદ ચાવડા તથા કચ્છના ધારાસભ્યો હાજરી આપશે.

Share This Article