Fake Fennel Scam Unjha: ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉનાવા ગામમાંથી એક ખૂબ જ ગંભીર અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતું કૌભાંડ સામે આવ્યું છે. અહીં કેટલાક લેભાગુ તત્વો વરીયાળીને વધુ લીલી અને આકર્ષક બનાવવા માટે તેમાં હાનિકારક કૃત્રિમ કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરતા હતા. આ કેમિકલવાળી વરીયાળીને પ્રીમિયમ ક્વોલિટી કહીને બજારમાં ઊંચા ભાવે વેચવાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને મળેલી ચોક્કસ બાતમીના આધારે, અધિકારીઓએ ઉનાવા ખાતેના શિવગંગા એસ્ટેટમાં આવેલી એક ગોડાઉનમાં આકસ્મિક તપાસ કરી હતી. ત્યાં નીમ કુમાર ગોવિંદભાઈ પટેલ નામના વેપારીને ત્યાં મોટા પાયે નકલી વરીયાળી બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ રંગેહાથ ઝડપાઈ ગઈ હતી.
લાખોની કિંમતો જથ્થો જપ્ત
તંત્રની ટીમે સ્થળ પરથી ‘વી.ની. ગોલ્ડ વરીયાળી’ નામની બ્રાન્ડ હેઠળ પેક કરેલી આશરે 4,766 કિલોગ્રામ નકલી વરીયાળી જપ્ત કરી છે, જેની બજાર કિંમત અંદાજે 8.57 લાખ રૂપિયા જેટલી થવા જાય છે. આ માલ બજારમાં ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ ફૂડ સેફ્ટી ઓફીસર ઉમંગભાઈ રાવલ અને તેમની ટીમે તેને કબજે કરી લીધો હતો. આ વરીયાળીના નમૂના લઈ પ્રયોગશાળામાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ ઘટનાએ ગ્રાહકોમાં ભારે આક્રોશ ફેલાવી દીધો છે.
માત્ર વરીયાળી જ નહીં, હવે જીરું પણ નકલી
ઊંઝા એપીએમસી (APMC)ના ચેરમેન દિનેશ પટેલે આ અંગે ગંભીર ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ કૌભાંડીઓ માત્ર વરીયાળીમાં રંગ જ નથી ઉમેરતા, પરંતુ સસ્તી વરીયાળી પર માટી, ગોળની ચાસણી અને ગ્રે રંગ ચઢાવીને તેને બિલકુલ જીરા જેવું બનાવી દે છે, જેને સામાન્ય લોકો અસલી જીરું સમજીને ખરીદી લે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એપીએમસીમાં ખેડૂતો શુદ્ધ માલ લાવે છે, પરંતુ બહારના પ્રોસેસિંગ હાઉસમાં આવી ભેળસેળ થાય છે. ચેરમેને ચેતવણી આપી છે કે જો લેબ રિપોર્ટમાં કોઈ વેપારી દોષિત જણાશે, તો તેનું લાયસન્સ રદ કરી તેને યાર્ડમાંથી કાયમી દૂર કરવામાં આવશે.
નકલી માલ ઓળખવાની સરળ રીત
ગ્રાહકો ઘરે બેઠા કેવી રીતે સાવચેત રહી શકે તે માટે તંત્રએ એક સરળ પાણીનો ટેસ્ટ સૂચવ્યો છે. ગ્રાહકોએ વરીયાળી કે જીરાને એક કાચના ગ્લાસમાં પાણી ભરીને તેમાં નાખવું. જો તે અસલી હશે તો પાણી સ્વચ્છ રહેશે, પરંતુ જો તેમાં કૃત્રિમ રંગ હશે તો પાણી તરત જ લીલું થઈ જશે. નકલી જીરાના કિસ્સામાં પાણીમાં નાખતાં જ માટી અને રંગ અલગ થઈ જશે તથા કેમિકલની ગંધ આવશે. તંત્રએ લોકોને અપીલ કરી છે કે હંમેશા તપાસ કરીને જ માલ ખરીદવો અને આવી શંકાસ્પદ પ્રવૃત્તિઓ જણાય તો તરત જ વિભાગનો સંપર્ક કરવો, જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં રોકી શકાય.

