Farmers Protest Gujarat: વીજલાઈન વળતર મામલે ખેડૂતોનો વિરોધ, મોરબીમાં વિશાળ પદયાત્રાનું આયોજન, ધારાસભ્યના ભાઈના ત્યાં દરોડા

Arati Parmar
2 Min Read

Farmers Protest Gujarat: ગુજરાતમાં વીજલાઈન (પાવર લાઈન) ની કામગીરીને લઈને ખેડૂતોનો વિરોધ વકરી રહ્યો છે. સૌપ્રથમ કચ્છથી શરૂ થયેલો આ વિરોધ હવે મોરબી, સુરેન્દ્રનગર, ભરૂચ, જામનગર અને દ્વારકા સુધી ફેલાઈ ગયો છે. સરકારે વળતરના મુદ્દે બજારભાવના બમણા ભાવ આપવાનો પરિપત્ર બહાર પાડ્યો હોવા છતાં ખેડૂતો સંતુષ્ટ નથી અને તેમણે આ પરિપત્રનો પણ વિરોધ કરવાનું નક્કી કર્યું છે.

ખેડૂતોની વિશાળ પદયાત્રા

ખેડૂત ક્રાંતિ સંગઠન દ્વારા આંદોલનના ત્રીજા તબક્કાના ભાગરૂપે મંગળવાર, તારીખ 14 ના રોજ મોરબીમાં વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહેન્દ્રનગર ચોકડીથી શરૂ થઈને આ પદયાત્રા ગેંડા સર્કલ, નટરાજ ફાટક અને શોભેશ્વર રોડ થઈને કલેક્ટર કચેરીએ પહોંચશે, જ્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ખેડૂતોની મુખ્ય માંગણી બજારભાવના ચાર ગણા વળતરની છે. જો સરકાર જમીન પર કામગીરી કરવા માંગતી હોય, તો ખેડૂતોએ જમીન ભાડે (લીઝ પર) આપવાનો વિકલ્પ પણ રજૂ કર્યો છે.

- Advertisement -

ધારાસભ્યના ભાઈના સ્ટોન ક્રશર પર દરોડા

બીજી તરફ, આ આંદોલનમાં ખૂબ જ સક્રિય રહેલા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યાના ભાઈ રાકેશ અમૃત્યાના સ્ટોન ક્રશર કારખાના પર ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી છે. આ દરોડામાં PGVCL ની ટીમ પણ જોડાઈ હતી. રાકેશ અમૃત્યા પોતાની આક્રમક શૈલી અને ભાષણો માટે જાણીતા છે. ખેડૂત આંદોલનમાં તેમની સક્રિયતા વચ્ચે આ દરોડા પડતા સૌરાષ્ટ્રભરમાં રાજકીય તર્ક-વિતર્ક શરૂ થયા છે.

- Advertisement -

સરકારની સ્થિતિ અને આગામી વળાંક

વળતરના મુદ્દાના ઉકેલ માટે સરકારે અગાઉ એક MRC કમિટી પણ બનાવી હતી અને તાજેતરમાં બમણા વળતરનો પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. જોકે, ખેડૂતો બમણા વળતરને નકારી રહ્યા છે અને ચાર ગણા વળતર અથવા જમીન ભાડે લેવાની માંગ પર અડગ છે. અગાઉ રાજકોટના પડધરીમાં પણ ખેડૂતોએ ટ્રેક્ટર રેલી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું હતું. હવે જોવાનું એ રહે છે કે સરકાર ખેડૂતોની આ નવી માંગણીઓ અને વિરોધ સામે શું વલણ અપનાવે છે.

- Advertisement -
Share This Article