Ganesh Jadeja Gondal Land Case: ગોંડલના મોટા ઉમવાડા ગામના એક સામાન્ય ખેડૂત અશોકભાઈ મકવાણા સાથે રાજકોટના કેટલાક શખ્સોએ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. અશોકભાઈને આર્થિક જરૂરિયાત હોવાથી તેમણે લોન લેવા માટે મિત્ર દ્વારા રાજકોટના શખ્સોનો સંપર્ક કર્યો હતો. આ શખ્સોએ તેમને માત્ર 1.75% ના વ્યાજે ૩ લાખ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી હતી. લોન આપવાની આડમાં આ ટોળકીએ અશોકભાઈને વિશ્વાસમાં લઈ લોનના કાગળો હોવાનું કહી તેમની ૧૦ વીઘા કિંમતી જમીનનો જંત્રીના ભાવે દસ્તાવેજ કરાવી લીધો હતો. જે જમીનની બજાર કિંમત અંદાજે ૬ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે, તે જમીન પચાવી પાડવાનું મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
અડધી રાત્રે જાગતો લોકસેવક: ખેડૂતની આપવીતી
જ્યારે અશોકભાઈને ખબર પડી કે તેમની પૂર્વજોની મિલકત તેમના હાથમાંથી નીકળી ગઈ છે અને દસ્તાવેજ થઈ ગયો છે, ત્યારે તેમના પરિવારના હોશ ઉડી ગયા હતા. ડર અને ચિંતામાં ડૂબેલા અશોકભાઈ આખરે કોઈ રસ્તો ન દેખાતા ધારાસભ્ય પુત્ર ગણેશભાઈ જાડેજાના શરણે પહોંચ્યા હતા. ખેડૂત અશોકભાઈએ જણાવ્યું કે તેઓ રાત્રે ૧ વાગ્યે ગણેશભાઈના ઘરે પહોંચ્યા હતા. ગણેશભાઈએ અડધી રાત્રે તેમની વાત શાંતિથી સાંભળી અને ભરોસો આપ્યો હતો કે તેમની મહેનતની જમીન તેમને પાછી મળશે જ. લોકસેવક તરીકે તેમણે બતાવેલી આ તત્પરતાએ પીડિત ખેડૂત પરિવારમાં ન્યાયની આશા જગાડી હતી.
ગણેશ જાડેજાનું કડક વલણ અને ૭૨ કલાકમાં ન્યાય
ગણેશભાઈ જાડેજાએ ખેડૂતની વેદના સાંભળીને તાત્કાલિક એક્શન લીધા હતા. તેમણે ભૂમાફિયાઓ અને આ કૌભાંડમાં સંડોવાયેલા તત્વો સામે આક્રમક વલણ દાખવીને સ્પષ્ટ ચેતવણી આપી હતી. ગણેશભાઈએ આ કેસમાં કાયદાકીય રીતે ખેડૂતનો પક્ષ મજબૂત કર્યો અને અસામાજિક તત્વોને તેમની જ ભાષામાં સમજાવ્યા હતા. પરિણામ એ આવ્યું કે જે જમીન હડપી લેવા માટે મોટું જાળ બિછાવવામાં આવ્યું હતું, તે જમીન માત્ર ૩ દિવસ એટલે કે ૭૨ કલાકમાં જ ખેડૂત પરિવારને હેમખેમ પરત સોંપવી પડી હતી. આ ઝડપી ન્યાયને જોઈને સમગ્ર પંથકમાં તેમની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
ગામમાં ખુશીનો માહોલ અને મિર્ઝાપુરની વાતોનો જવાબ
ન્યાય મળ્યા બાદ મોટા ઉમવાડા ગામે મેલડી માતાજીના મંદિરે એક ભવ્ય કાર્યક્રમ યોજીને ગણેશભાઈ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ તેમને હાર પહેરાવીને ઉત્સાહભેર આવકાર્યા હતા. આ પ્રસંગે ગ્રામજનોએ સોશિયલ મીડિયા પર ગોંડલને ‘મિર્ઝાપુર’ સાથે સરખાવતા લોકો સામે નારાજગી વ્યક્ત કરી હતી. અગ્રણીઓએ કહ્યું કે ગોંડલ એ ગુંડાઓનું મિર્ઝાપુર નથી, પરંતુ રક્ષકોનું ગોંડલ છે જ્યાં ગણેશભાઈ જેવા યુવા નેતા ગરીબોની પડખે ઉભા રહે છે. અશોકભાઈએ પણ ભાવુક હૃદયે જાડેજા પરિવારનો આભાર માનતા કહ્યું કે તેમના માટે આ પરિવાર ભગવાન સમાન છે જેમણે તેમની ડૂબતી નૈયા બચાવી લીધી છે.

