Gau Sanman Banaskantha Bandh: ભાભરથી થરાદ સુધી બજારો બંધ, ગૌભક્તો ગાંધીનગર મહાસંમેલનમાં જોડાયા
Gau Sanman Banaskantha Bandh: ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશની સુરક્ષા માટે અલગ ગૌસેવા મંત્રાલય બનાવવાની માગ સાથે ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલા ગૌ સન્માન આહવાનને બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં સમર્થન મળ્યું હતું. શુક્રવારે ભાભર, થરા, થરાદ, વાવ, શિહોરી, નવી ભીલડી અને ધાનેરામાં વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાનો અને ધંધા બંધ રાખ્યા હતા. વિવિધ સ્થળોએથી ગૌભક્તો અને આગેવાનો ગાંધીનગરના મહાસંમેલનમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
વિવિધ શહેરોમાં વેપારીઓનું બંધને સમર્થન
ભાભરમાં વેપારીઓએ દુકાનો બંધ રાખીને અભિયાનને ટેકો આપ્યો હતો. વાવમાં પણ મુખ્ય બજારો બંધ રહ્યાં હતાં. ખાસ વાત એ રહી કે મુસ્લિમ સમાજના લોકોએ પણ બંધમાં જોડાઈ સમર્થન આપ્યું હતું.
થરામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વેપારી એસોસિએશન, થરા APMC અને લોકલ કેમિસ્ટ એસોસિએશન સહિતનાં સંગઠનો બંધમાં જોડાયાં હતાં. ગૌપ્રેમીઓના જણાવ્યા પ્રમાણે, શંકરાચાર્યના માર્ગદર્શન હેઠળ ચાર તબક્કામાં સરકારને પ્રાર્થનાપત્ર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
થરાદમાં ગૌસાંસદના નેતૃત્વમાં ગૌસેવકો અને વેપારી આગેવાનો ગાંધીનગર પહોંચ્યા હતા. વેપારી એસોસિએશને પણ બંધને સમર્થન આપ્યું હતું. શિહોરી અને કંબોઈમાં બજારો બંધ રહ્યાં હતાં. ડીસા તાલુકાના નવી ભીલડીમાં વેપારી એસોસિએશને બંધ પાળ્યો હતો. ડીસાના માલગઢથી ગૌભક્તો, ખેડૂતો અને વેપારીઓ બસ દ્વારા ગાંધીનગર જવા રવાના થયા હતા.
ગૌભક્તોનું સ્વાગત અને મામલતદારને આવેદનપત્ર
ધાનેરામાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળવાની સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. તેમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, ગૌવંશનું રક્ષણ અને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માગણીઓ રજૂ કરવામાં આવી હતી.
વાવમાં સામાજિક એકતાનો સંદેશ
વાવમાં હિન્દુ વેપારીઓની સાથે મુસ્લિમ સમાજના લોકોએ પણ સ્વૈચ્છિક બંધ પાળીને ગૌ સન્માન આહવાનને સમર્થન આપ્યું હતું. વિવિધ સમાજના લોકોએ એકસાથે ટેકો આપતાં સામાજિક એકતાનો સંદેશ જોવા મળ્યો હતો.
ગાંધીનગર જતાં ગૌભક્તોનું સ્વાગત
ડીસાના માલગઢથી ગાંધીનગર જવા નીકળેલા ગૌભક્તો, ખેડૂતો અને વેપારીઓનું મોટા ગામના પાટિયે એસ.ટી. બસના કર્મચારીઓએ ગુલાબનાં ફૂલ અને કંકુ તિલકથી સ્વાગત કર્યું હતું. તેમને બુંદી-ગાંઠિયાનો નાસ્તો કરાવી અભિયાનને આવકારવામાં આવ્યું હતું.

