ભૂટાન માટે પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક મશીનરી, સિરેમિક પ્રોડક્ટ્સ અને દવાઈઓની નિકાસ
અમદાવાદ, 22 જુલાઇ. ભારતના પડોશી દેશ ભૂટાનના રાજા, મહામહિમ જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડા પ્રધાન શેરિંગ તોબગે હાલમાં ભારતની મુલાકાતે છે. આ પ્રવાસ અંતર્ગત તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે ગુજરાતના એકતા નગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા. ભૂટાને ભારતના વિકાસ એન્જિન તરીકે ગણાતા ગુજરાત રાજ્ય સાથે ગાઢ સંબંધો સ્થાપિત કર્યા છે.

ભુતાન ગુજરાત સાથે વેપારી સંબંધો વિકસાવવા ઉત્સુક છે અને આ હેતુ માટે ભુતાનથી એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે 2014માં ગુજરાતની મુલાકાત લીધી હતી. પરિણામે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતમાંથી ભૂટાનમાં થતી નિકાસમાં સતત વધારો થયો છે. રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલા ડેટા મુજબ વર્ષ 2019-20માં ગુજરાતમાંથી 14.39 મિલિયન યુએસ ડોલરની પ્રોડક્ટ્સની નિકાસ કરવામાં આવી હતી, જે વર્ષ 2023-24માં વધીને 21.98 મિલિયન યુએસ ડોલર થઈ ગઈ છે. આમ, છેલ્લા પાંચ વર્ષમાં નિકાસમાં 52 ટકાનો વધારો જોવા મળ્યો છે.
ગુજરાતમાંથી નિકાસના આંકડા (યુએસ ડોલરમાં)
2019-20 – 14.39
2020-21 – 14.85
2021-22 – 19.70
2022-23 – 19.22
2023-24 – 21.98
ગુજરાતમાંથી નિકાસ થતી ટોચની પ્રોડક્ટ્સમાં પ્લાસ્ટિક પ્રોડક્ટ્સ, ઇલેક્ટ્રિક મશીનરી અને ઇક્વિપમેન્ટ, સિરામિક પ્રોડક્ટ્સ, ફિશ, પેપર અને પેપર પ્રોડક્ટ્સ અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. તે માત્ર આંકડાઓમાં વધારો જ નથી, પરંતુ ઉત્પાદનોની વિવિધતામાં પણ વધારો છે.
વડા પ્રધાનની ભૂટાનની મુલાકાતો દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવે છે
2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની પહેલી વિદેશ યાત્રા જૂન મહિનામાં ભૂટાનની હતી. તેમણે ભૂતાન સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં, વડા પ્રધાને ફરીથી ભૂટાનની મુલાકાત લીધી હતી અને ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ની પ્રાથમિકતા દર્શાવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અપડેટેડ ચાઈલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય તેમણે ભૂટાનની 13મી પંચવર્ષીય યોજના માટે 10 હજાર કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન, ભૂટાનના વડા પ્રધાન શ્રી શેરિંગ તોબગેએ તેમને ‘મિત્ર અને મોટા ભાઈ’ તરીકે સંબોધ્યા અને તેમને ‘ઓર્ડર ઑફ ધ ડ્રુક ગ્યાલ્પો’, ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા.
ભૂટાન સાથે ભારતનો વેપાર ત્રણ ગણો વધ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોને કારણે ભારત અને ભૂટાન વચ્ચેના વેપારમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ભારત આયાત અને નિકાસ બંને ક્ષેત્રોમાં ભૂટાન સાથે ભાગીદારીમાં ટોચ પર છે. વર્ષ 2014-15માં ભૂટાન સાથે ભારતનો વેપાર (વીજળી સિવાય) US$484 મિલિયન હતો, જે વર્ષ 2022-23માં ત્રણ ગણો વધીને US$1606 મિલિયન થયો છે. લગભગ 30 ભારતીય કંપનીઓ ભૂટાનમાં બેંકિંગ, ઉત્પાદન, પાવર જનરેશન, એગ્રી-ફૂડ પ્રોસેસિંગ, ફાર્મા, ITES, હોસ્પિટાલિટી અને શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે.

