Gujarat BJP Candidate Conflict 2026: ભાજપમાં ‘ઓળખીતાવાદ’નો ભડકો: પાયાના કાર્યકરોમાં ભારે રોષ

Arati Parmar
3 Min Read

Gujarat BJP Candidate Conflict 2026: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જ પક્ષમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. આ વખતે પરિવારવાદ કરતા ‘ઓળખીતાવાદ’ વધુ ચાલ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ધારાસભ્યો અને મંત્રીઓની આસપાસ ફરતા નજીકના લોકોને ટિકિટ આપવામાં આવતા વર્ષોથી પક્ષ માટે લોહી-પરસેવો એક કરનારા પાયાના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. કાર્યકરોમાં એવી ચર્ચા છે કે પ્રજા વચ્ચે રહીને સેવા કરનારા જુના જોગીઓ કરતા સોશિયલ મીડિયા પર સક્રિય અને ધારાસભ્યોના પડ્યા બોલ ઝીલનારાઓને પક્ષે વધુ મહત્વ આપ્યું છે.

ઇન્સ્ટાગ્રામ ગર્લ્સ અને નવા ચહેરાઓ સામે જુના જોગીઓનો બળાપો

અમદાવાદ સહિતના મહાનગરોમાં ભાજપે ‘નો-રિપીટ’ થીયરીનો કડક અમલ કર્યો છે, જેમાં અનેક બેઠકો પર માત્ર સોશિયલ મીડિયા ફોલોઅર્સ ધરાવતી મહિલાઓ અને ગ્લેમરસ ચહેરાઓને પસંદ કરવામાં આવ્યા છે. પક્ષના સમર્પિત કાર્યકરો કટાક્ષ કરી રહ્યા છે કે પ્રજા વચ્ચે દોડાદોડી કરવા કરતા ઇન્સ્ટાગ્રામ પર મહેનત કરી હોત તો કદાચ આજે ટિકિટ મળી હોત. ગોતા, ચાંદખેડા અને ઘાટલોડિયા જેવા વિસ્તારોમાં મજબૂત દાવેદારોને સાઈડલાઈન કરીને બિનઅનુભવી યુવાનોને તક આપવામાં આવતા જુના જોગીઓએ હવે નવા નિશાળિયાઓના પ્રચારમાં લાગવું પડશે, જે આ ગરમીમાં ઘણું આકરું સાબિત થશે.

પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ સામે અસંતોષની લાગણી

આ ચૂંટણી પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ માટે અગ્નિ પરીક્ષા સમાન માનવામાં આવી રહી છે. ઉમેદવારોની પસંદગીમાં પંચાલની નીતિ સામે પક્ષના દિગ્ગજ નેતાઓ પણ નારાજ હોવાનું જણાય છે. યાદી જાહેર થયા બાદ અનેક વિસ્તારોમાં ઉમેદવારોના ટેકેદારોએ પ્રદેશ કાર્યાલય પહોંચીને રાજીનામા ધરી દીધા છે અને ચૂંટણી પ્રચારના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. તાજેતરમાં ખડગેના નિવેદન મુદ્દે પંચાલના વિવાદિત નિવેદનથી પક્ષની આબરૂ ખરડાઈ હોવાની ચર્ચા વચ્ચે, જો ચૂંટણીના પરિણામો નબળા આવશે તો પંચાલ માટે પ્રદેશ પ્રમુખની ખુરશી ટકાવવી મુશ્કેલ બની શકે છે.

- Advertisement -

ટિકિટ ન મળતા ઉમેદવારોની સ્થિતિ અને ભવિષ્યના પડકારો

યાદી જાહેર થતા પહેલા જે લોકો જીતની શુભેચ્છાઓ સ્વીકારી રહ્યા હતા અને ફોર્મ ભરીને તૈયાર બેઠા હતા, તેમની હાલત અત્યારે કફોડી બની છે. યાદીમાં નામ ન આવતા કેટલાકની આંખોમાં આંસુ વહી રહ્યા છે તો કેટલાક સ્તબ્ધ થઈ ગયા છે. સમગ્ર અમદાવાદમાં માત્ર ૩૬ જેટલા મજબૂત લોકોને જ રિપીટ કરવામાં આવ્યા છે, બાકીની તમામ બેઠકો પર નવા સમીકરણો ગોઠવવામાં આવ્યા છે. હવે પ્રશ્ન એ છે કે શું નવા ચહેરાઓ પ્રજાની અપેક્ષાઓ પર ખરા ઉતરશે? જો જુના કાર્યકરો દિલથી પ્રચારમાં નહીં જોડાય, તો ભાજપ માટે જીતનો માર્ગ કઠિન બની શકે તેમ છે.

- Advertisement -
Share This Article