Gujarat DGP Order: ગુજરાત પોલીસનો ઐતિહાસિક નિર્ણય, હવે પોલીસ કમિશનરથી લઈને PI સુધીના તમામ અધિકારીઓ રોજ ૨ કલાક ફરજિયાત પ્રજાની ફરિયાદ સાંભળશે

Arati Parmar
4 Min Read

Gujarat DGP Order: ગુજરાતની જનતા માટે અને ખાસ કરીને ન્યાયની આશાએ પોલીસ મથકોના ધક્કા ખાતા સામાન્ય નાગરિકો માટે રાજ્યના પોલીસ પ્રશાસન તરફથી એક અત્યંત રાહતજનક અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ લોકાભિમુખ બને તે માટે પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે એક બહુ મોટો અને ક્રાંતિકારી પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. હવેથી રાજ્યના તમામ મોટા શહેરોના પોલીસ કમિશનર (CP) થી લઈને છેક સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) કક્ષાના તમામ ઉચ્ચ અને મધ્યમ સ્તરના અધિકારીઓએ દરરોજ ફરજિયાત બે કલાક સત્તાવાર રીતે જનતાની ફરિયાદો રૂબરૂ સાંભળવી પડશે.

નાગરિકોએ નાના કામ માટે છેક ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે

રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે આ મહત્ત્વપૂર્ણ નિર્ણય પાછળનો મુખ્ય આશય સ્પષ્ટ કરતાં જણાવ્યું છે કે, સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારોને પોતાના નાના-મોટા સ્થાનિક પ્રશ્નો, જમીન-મિલકતના વિવાદો કે વહેલી તકે ન્યાય મેળવવા માટે છેક ગાંધીનગર સ્થિત ડીજીપી કચેરી (પોલીસ ભવન) અથવા સચિવાલય સુધી લાંબા ન થવું પડે. નાગરિકોની સમસ્યાઓનો સ્થાનિક કક્ષાએ જ જિલ્લા, તાલુકા કે પોલીસ સ્ટેશન સ્તરે સત્વરે, પારદર્શી અને સમયસર કાયદાકીય નિકાલ થાય તેવી મજબૂત વહીવટી વ્યવસ્થા ઊભી કરવાના ભાગરૂપે આ કડક આદેશ જારી કરવામાં આવ્યો છે.

- Advertisement -

અરજીના નિકાલ માટે મહત્તમ ૧૫ દિવસની કડક સમયમર્યાદા નક્કી કરાઈ

નવા નિયમો મુજબ માત્ર ફરિયાદો સાંભળવાથી કામ પૂરું નહીં થાય, પરંતુ તેના પર લેવાયેલા એક્શનનું ચોક્કસ પરિણામ પણ આપવું પડશે. ડીજીપીએ તમામ રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા (SP) અને પીઆઈને સખત સૂચના આપી છે કે સ્થાનિક કક્ષાએ અરજદારોની રજૂઆતો સાંભળ્યા બાદ, કોઈપણ સંજોગોમાં મહત્તમ ૧૫ દિવસની અંદર તે અરજી કે ફરિયાદનો કાયદેસરનો આખરી નિકાલ લાવવાનો રહેશે. આ આદેશથી રાજ્યમાં લાંબા સમયથી પડતર રહેતી પોલીસ અરજીઓ અને તેની નબળી નિકાલ પ્રક્રિયાની કામગીરીમાં મોટો સુધારો જોવા મળશે.

DGPની જન સંપર્ક કાર્યાલયમાં સરપ્રાઇઝ વિઝીટ બાદ ખુલી ગઈ આંખો

આ ઐતિહાસિક નિર્ણય પાછળ એક રસપ્રદ કિસ્સો જવાબદાર છે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ જી. એસ. મલિકે તાજેતરમાં જ ગાંધીનગર પોલીસ ભવન ખાતે આવેલા જન સંપર્ક કાર્યાલય (PR ઑફિસ) ની અચાનક સરપ્રાઇઝ વિઝીટ (આકસ્મિક મુલાકાત) લીધી હતી. આ મુલાકાત દરમિયાન ત્યાં હાજર દૂર-દૂરના ગામડાઓમાંથી આવેલા અનેક અરજદારો સાથે તેમણે પોતે સીધો સંવાદ કર્યો હતો. આ વાતચીતમાં બહાર આવ્યું કે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ કે સ્થાનિક પીઆઈ તેમની રજૂઆતો ગંભીરતાથી સાંભળતા નથી, જેના કારણે નાછૂટકે તેમણે ગાંધીનગર સુધી આવવું પડ્યું છે. આ ગંભીર વાસ્તવિકતા સામે આવ્યા બાદ જ ડીજીપી એક્શન મોડમાં આવ્યા હતા.

- Advertisement -

આર્થિક ગુના, લગ્ન વિવાદ અને ભ્રષ્ટાચારની અરજીઓ પર સ્પેશિયલ ફોકસ

પોલીસ વડાએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે પ્રજા સાથે જોડાયેલા સંવેદનશીલ કેસોમાં સહેજ પણ બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. ખાસ કરીને નાગરિકો સાથે થતી છેતરપિંડી અને આર્થિક ગુનાઓ (Economic Offenses), વૈવાહિક કે પારિવારિક કંકાસના પ્રશ્નો, હોસ્પિટલો કે તબીબોની ઘોર બેદરકારીને લગતી ફરિયાદો તેમજ સરકારી તંત્રમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો કરતી અરજીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનું રહેશે. આ પ્રકારની તમામ અરજીઓનો નિકાલ પ્રાથમિકતાના ધોરણે અને અત્યંત ઝડપી ગતિએ કરવા માટે તમામ પોલીસ સ્ટેશનોને આંતરિક ગાઈડલાઈન મોકલી દેવાઈ છે.

આ પણ વાંચો: Teacher Sexual Abuse Gujarat: ગુજરાતમાં દિવ્યાંગ શિક્ષકની શરમજનક કરતૂત, સગીર છાત્રાઓના જાતીય શોષણનો મામલો સામે આવતા ખળભળાટ – Newz Cafe

- Advertisement -
Share This Article