Gujarat Election Commission Circular: રાજ્ય ચૂંટણી આયોગના નવા પરિપત્રએ છેડ્યો વિવાદ, જ્યાં હવે ગુનાઈત ઇતિહાસ ધરાવતા લોકો પણ ચૂંટણી એજન્ટ બની શકશે

Arati Parmar
2 Min Read

Gujarat Election Commission Circular: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે, ત્યારે રાજ્ય ચૂંટણી આયોગના એક નવા પરિપત્રએ મોટો વિવાદ સર્જ્યો છે. આયોગે રાજકીય પક્ષોને તેમના ચૂંટણી એજન્ટ, મતદાન એજન્ટ કે મતગણતરી એજન્ટ તરીકે ગુનાહિત ઇતિહાસ ધરાવતી વ્યક્તિઓને પણ બેસાડવાની મંજૂરી આપી દીધી છે. અત્યાર સુધી એવો નિયમ હતો કે એજન્ટ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ પર કોઈ ગંભીર ગુનો નોંધાયેલો ન હોવો જોઈએ, પરંતુ હવે આ જોગવાઈ રદ કરવામાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

લોકશાહીની ગરિમા અને સુરક્ષા સામે સવાલો

ચૂંટણી આયોગના આ નિર્ણયને અનેક રાજકીય વિશ્લેષકો લોકશાહી માટે કલંક સમાન ગણાવી રહ્યા છે. મતદાન મથકો પર જ્યારે ગુનેગારો એજન્ટ તરીકે હાજર રહેશે, ત્યારે સામાન્ય મતદારોમાં ભયનો માહોલ પેદા થવાની ભીતિ સેવાઈ રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને ભયમુક્ત વાતાવરણ જાળવવું એ પંચની પ્રાથમિક જવાબદારી છે, પરંતુ ગુનેગારોને સત્તાવાર રીતે એજન્ટ બનવાની છૂટ આપતા પંચની નિષ્પક્ષતા સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે.

- Advertisement -

પરિપત્રમાં કરાયેલો ગંભીર ફેરફાર

ગઈકાલે ૨૩ એપ્રિલના રોજ જારી કરાયેલા આ પરિપત્રમાં શરૂઆતની સૂચનાઓ સામાન્ય છે, પરંતુ તેના અંતિમ ફકરામાં કરવામાં આવેલો ફેરફાર અત્યંત ચોંકાવનારો છે. આ ફકરામાં સ્પષ્ટપણે લખાયું છે કે, ‘એજન્ટ પર કોઈ ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ કે ગુનાઈત ઇતિહાસ ધરાવતો ન હોવો જોઈએ’ તેવી અગાઉની જોગવાઈ હવેથી રદ કરવામાં આવે છે. આ ફેરફાર કોના દબાણમાં અથવા કયા હેતુથી કરવામાં આવ્યો છે તે અંગે તંત્ર મૌન સેવી રહ્યું છે.

નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા પર જોખમ

સામાન્ય રીતે બૂથ એજન્ટનું કામ મતદાનની પ્રક્રિયા પર નજર રાખવાનું અને ગેરરીતિ અટકાવવાનું હોય છે. જો આ જવાબદારી ગુનાહિત માનસિકતા ધરાવતા લોકોના હાથમાં જશે, તો મતદાન મથકો પર શિસ્ત જળવાશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. વિરોધ પક્ષોનો આક્ષેપ છે કે સત્તાધારી પક્ષ પોતાના બાહુબલી કાર્યકરોને કાયદેસર રીતે બૂથમાં ઘૂસાડવા માટે આ પ્રકારના સુધારા કરાવી રહ્યો છે. આ નિર્ણયથી ચૂંટણીની પવિત્રતા અને નિષ્પક્ષતા જોખમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

- Advertisement -
Share This Article