Gujarat High Court POSH Act Verdict: ગુજરાત હાઈકોર્ટે કાર્યસ્થળ પર મહિલાઓની સુરક્ષા માટે બનેલા ‘પોશ એક્ટ’ (POSH Act) અંગે એક અત્યંત મહત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદો મહિલાઓને સતામણી સામે રક્ષણ આપવા માટેનું એક શક્તિશાળી શસ્ત્ર છે, પરંતુ તેનો ઉપયોગ અંગત અદાવત કે કોઈને ખોટી રીતે ફસાવવા માટે ‘ઢાલ’ તરીકે ન થવો જોઈએ. જસ્ટિસ હેમંત એમ. પ્રચ્છકે જણાવ્યું હતું કે જ્યારે કોઈ કાયદાનો દુરુપયોગ કરીને ખોટી ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તે માત્ર નિર્દોષ વ્યક્તિને જ નુકસાન નથી પહોંચાડતી, પરંતુ સમગ્ર સંસ્થાના વાતાવરણને ઝેરી બનાવી દે છે.
આંતરિક ફરિયાદ સમિતિનો અહેવાલ માન્ય અને કાયદેસર
આ ચુકાદો એક સહકારી મંડળીની મહિલા કર્મચારી દ્વારા મેનેજિંગ ડિરેક્ટર વિરુદ્ધ કરવામાં આવેલા જાતીય સતામણીના આરોપોના સંદર્ભમાં આવ્યો છે. આંતરિક ફરિયાદ સમિતિએ (ICC) પોતાની તપાસમાં આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. મહિલાએ આ અહેવાલને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ અદાલતે સમિતિના નિર્ણયને રદ કરવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. કોર્ટે ઠરાવ્યું કે સમિતિએ સીસીટીવી ફૂટેજ અને પોલીસ તપાસ સહિતના તમામ પુરાવાઓનું કાયદાકીય માળખા હેઠળ સંપૂર્ણ પાલન કર્યું છે, તેથી તેનો અહેવાલ સંપૂર્ણપણે માન્ય અને કાયદેસર છે.
કાયદાના દુરુપયોગથી ઉભરી શકે છે ‘વિપરીત પૂર્વગ્રહ’
હાઈકોર્ટે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો જાતીય સતામણી વિરોધી કાયદાનો ખોટી રીતે સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે તો, તે કાર્યસ્થળ પર ‘રિવર્સ બાયસ’ એટલે કે વિપરીત પૂર્વગ્રહની સ્થિતિ પેદા કરી શકે છે. આવા કિસ્સાઓમાં માત્ર નિર્દોષ કર્મચારીઓની કારકિર્દી જ જોખમાતી નથી, પરંતુ તે એક એવી અદ્રશ્ય દીવાલ (ગ્લાસ સીલીંગ) ઉભી કરે છે જે લાયક અને નિષ્ઠાવાન કર્મચારીઓની પ્રગતિમાં અવરોધ બને છે. પુરુષ આરોપીઓ સામે કાયદાના દુરુપયોગની વધતી ઘટનાઓ અંગે કોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
પારદર્શિતા અને ન્યાય માટે સીમાચિહ્નરૂપ ચુકાદો
આ સમગ્ર મામલાની તપાસમાં બહાર આવ્યું હતું કે મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલા આરોપોમાં તથ્યોનો અભાવ હતો અને તે કદાચ વહીવટી વિવાદો અથવા વ્યવસાયિક અદાવતને કારણે કરવામાં આવ્યા હતા. હાઈકોર્ટનો આ નિર્ણય કોર્પોરેટ જગત અને સરકારી કચેરીઓ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે, કારણ કે તે કાર્યસ્થળ પર સમાનતા અને ન્યાયની વકીલાત કરે છે. આ ચુકાદો યાદ અપાવે છે કે કાયદાનું પ્રાથમિક કાર્ય સાચું રક્ષણ આપવાનું છે, નહીં કે કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી તેને ખોટી રીતે પજવવાનું.

