Gujarat Local Body Election Results: ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે વિજય સાથે પોતાની હાજરી નોંધાવી છે. ગાંધીનગરની મોટી ભોંયણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મંજૂલાબેન ઠાકોરનો ૧૩૪૭ મતોની સરસાઈ સાથે ભવ્ય વિજય થયો છે. તેવી જ રીતે મહીસાગર જિલ્લાના કોઠંબામાં પણ કોંગ્રેસે સફળતા મેળવી છે. કોઠંબા તાલુકા પંચાયતની ભોજા સીટ પર કોંગ્રેસના રાધાબેન પટેલીયાએ ભાજપના ઉમેદવારને હરાવીને જીત મેળવી છે, જ્યાં કોંગ્રેસને ૧૦૮૩ અને ભાજપને ૬૮૩ મત મળ્યા છે.
ભાજપનો નગરપાલિકાઓમાં ભગવો લહેરાયો
નગરપાલિકાઓના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો છે. વલસાડની ઉમરગામ નગરપાલિકાના વોર્ડ નંબર ૪ માં ભાજપની આખી પેનલનો વિજય થયો છે. સૌથી મોટી સફળતા ગણદેવી નગરપાલિકામાં જોવા મળી છે, જ્યાં ભાજપે તમામ ૨૪ બેઠકો પર વિજય મેળવીને ક્લીન સ્વીપ કર્યું છે. ગણદેવીના તમામ ૬ વોર્ડમાં અપક્ષ ઉમેદવારોને હરાવીને ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ઉપરાંત પાટણની સિધ્ધપુર નગરપાલિકામાં પણ વોર્ડ નંબર ૧ માં ભાજપની પેનલનો વિજય થયો છે.
આમ આદમી પાર્ટીએ દાહોદમાં ખાતું ખોલ્યું
આ ચૂંટણી પરિણામોમાં આમ આદમી પાર્ટીએ પણ આદિવાસી પટ્ટામાં પોતાની મજબૂત પકડ દર્શાવી છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આમ આદમી પાર્ટીએ જીત સાથે ખાતું ખોલ્યું છે. લીમખેડાની ચેડિયા બેઠક પર ‘આપ’ ના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. બીજી તરફ રાજકોટના જસદણ તાલુકા પંચાયતની આંબરડી બેઠક પર ભાજપના ઇલાબેન મકવાણાએ જીત મેળવી છે. આમ, વિવિધ જિલ્લાઓમાં ત્રિપાંખિયા જંગ વચ્ચે ત્રણેય મુખ્ય પક્ષોએ પોતાની બેઠકો અંકે કરવાના પ્રયાસો કર્યા છે.
અમદાવાદ જિલ્લાના મિશ્ર પ્રતિસાદ અને પરિણામો
અમદાવાદ જિલ્લામાં પણ મતગણતરી દરમિયાન રસપ્રદ ચિત્ર સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં કોંગ્રેસે અસલાલી તાલુકા બેઠક પર વિજય મેળવીને પોતાનું ખાતું ખોલ્યું છે. જોકે, ભાજપે પણ પોતાની પકડ જાળવી રાખતા ભુવાલડી સીટ પર જીત મેળવી છે. રાજ્યભરમાં ચાલી રહેલી મતગણતરીના શરૂઆતના વલણો અને પરિણામો જોતા ક્યાંક ભાજપની પેનલો જીતી રહી છે તો ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાની બેઠકો જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

