Gujarat World Police Games 2029: ગુજરાત સરકારે 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા યોજાનારી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે રાજ્યના પૂર્વ ડીજીપી વિકાસ સહાયને આ ગેમ્સ માટે બનનારી આયોજન સમિતિના સીઈઓ (CEO) તરીકે નિયુક્ત કર્યા છે. ડીજીપી વિકાસ સહાય ડિસેમ્બર, 2025માં નિવૃત્ત થયા હતા. સરકારે ત્રણ મહિનાના અંતરાલ પર તેમને આ જવાબદારી સોંપી છે. 1989 બેચના આઈપીએસ વિકાસ સહાયને સરકારે વૈશ્વિક સ્તરની ગેમ્સની આયોજન સમિતિના સીઈઓ બનાવીને મોટી જવાબદારી સોંપી છે. ગુજરાત સરકારે 2029માં યોજાનારી પોલીસ એન્ડ ફાયર ગેમ્સની સાથે 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની હાંસલ કરી લીધી છે. સરકાર હવે કેન્દ્ર સરકાર દ્વારા 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની અમદાવાદને અપાવવા બાબતે કામ કરી રહી છે. કોમનવેલ્થ ગેમ્સ પહેલા યોજાનારી આ ગેમ્સને લઈને વિકાસ સહાયની પસંદગી કરીને સરકારે સંકેત આપી દીધો છે કે તે કોમનવેલ્થ ગેમ્સને લઈને ગંભીર છે. એવામાં આ ગેમ્સને લઈને પણ કોઈ રિસ્ક લઈ શકાય તેમ નથી.
2029માં ક્યારે યોજાશે આ ગેમ્સ?
ગુજરાતનું અમદાવાદ 2029 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની કરશે. 2025માં આ રમતોની યજમાની બર્મિંગહામે કરી હતી. ત્યારે જ ભારતના અમદાવાદને યજમાન શહેર જાહેર કરવામાં આવ્યું હતું. બર્મિંગહામમાં 2025 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ (WPFG) 27 જૂનથી 6 જુલાઈ સુધી ચાલી હતી અને તેમાં 70 થી વધુ દેશોમાંથી આવેલા 8,500 થી વધુ લોકોએ ભાગ લીધો હતો. ખેલાડીઓએ 35 સ્થળો પર 65 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો, જેમાં બાસ્કેટબોલ અને સાયકલિંગ જેવી પરંપરાગત રમતોથી લઈને ખાસ પ્રકારની ફર્સ્ટ રિસ્પોન્ડર સ્પર્ધાઓ સામેલ હતી. આમાં ‘ટફેસ્ટ કોમ્પિટિટર અલાઇવ’, ‘પોલીસ એક્શન પિસ્તોલ’, ‘અલ્ટીમેટ ફાયરફાઈટર’ અને ‘ફાયરફાઈટર ચેલેન્જ’ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થયો હતો.
કોમનવેલ્થ પહેલા અમદાવાદની થશે ચર્ચા
અમદાવાદમાં વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ (WPFG) પહેલા પર્થ 2027 વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સની યજમાની કરવાનું છે. 1985માં શરૂ થયેલી વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ દર બે વર્ષે આયોજિત કરવામાં આવે છે અને તેમાં દુનિયાભરના સેવારત અને નિવૃત્ત કાયદા અમલીકરણ અધિકારીઓ, અગ્નિશામકો અને ફર્સ્ટ રિસ્પોન્ડર કર્મચારીઓ ભાગ લઈ શકે છે. ભવિષ્યની રમતો, એથ્લેટ્સની પાત્રતા અને ભાગીદારી વિશે વધુ માહિતી CPAF ની વેબસાઇટ પર મળી શકે છે. આ ગેમ્સના આયોજનથી અમદાવાદને વૈશ્વિક સ્તર પર ન માત્ર મોટી ઓળખ મળશે પરંતુ કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા શહેરનો ગુંજારવ પણ વૈશ્વિક સ્તર પર દેખાશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ અમદાવાદને રમતોની બાબતમાં દુનિયાનું મોટું હબ બનાવવા માંગે છે.
વિકાસ સહાય પર મોટો ભરોસો
વિકાસ સહાય 1989 બેચના નિવૃત્ત આઈપીએસ અધિકારી છે. તેઓ 31 ડિસેમ્બર, 2025 ના રોજ ગુજરાત ડીજીપીના પદ પરથી નિવૃત્ત થયા હતા. આ પહેલા તેમણે પોલીસ સેવામાં લાંબી ઇનિંગ રમી હતી. તેમને ગુજરાતમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી (હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી) ની સ્થાપના અને તેને નેતૃત્વ આપવા માટે ઓળખવામાં આવે છે. વિકાસ સહાય પોતાના કાર્યકાળ દરમિયાન 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્ઝેગોવિનામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ મિશન (UN Peacekeeping Mission) પર પણ રહ્યા હતા. તેમના મોટા ભાઈ વિવેક સહાય (1988 બેચ IPS) છે, જેઓ પશ્ચિમ બંગાળ પોલીસમાં રહ્યા હતા અને એક દિવસ માટે ડીજીપી પણ બન્યા હતા. વિકાસ સહાય મૂળરૂપે બિહારના રહેવાસી છે.

