Gyanesh Kumar BLO: 11 લાખ BLO દેશની મોટી સેવા કરી રહ્યા છે, 18 વર્ષ પૂર્ણ કરનારા યુવાનોના નામ મતદાર યાદીમાં ઉમેરવા CEC જ્ઞાનેશ કુમારની અપીલ

Arati Parmar
4 Min Read

Gyanesh Kumar BLO: ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું છે કે ચૂંટણી પંચ સાથે જોડાયેલા 11 લાખ બૂથ લેવલ ઓફિસર દેશની મોટી સેવા કરી રહ્યા છે અને યુવાનો 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે કે તરત જ તેમને મતદાર યાદીમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેએ કહ્યું કે બૂથ લેવલ ઓફિસર ચૂંટણી પંચ અને નાગરિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી તેમજ લોકતાંત્રિક ભાગીદારીના રાજદૂત છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બૂથ લેવલ ઓફિસરને ભારતના લોકતંત્ર અને ચૂંટણી પ્રક્રિયાનો આધારસ્તંભ ગણાવ્યો છે. જ્ઞાનેશ કુમારે કહ્યું કે મતદારની સામે BLO ચૂંટણી પંચનું એક પ્રતિબિંબ છે. દેશના લગભગ 90 કરોડ મતદારોની અપેક્ષાઓ અને અધિકારો સાથે જોડાયેલી ચૂંટણી પ્રક્રિયાને સુચારુ રીતે પૂર્ણ કરવા માટે દેશભરમાં 11 લાખથી વધુ BLO સતત કાર્યરત છે.

- Advertisement -

ચૂંટણી પંચના વિશાળ પરિવાર સાથે સતત સંવાદ જળવાઈ રહે તે માટે તાલીમ, બેઠકો અને ECI-Net જેવા ડિજિટલ માધ્યમોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

તેમણે મતદાર યાદીની શુદ્ધતા જાળવવા માટે BLOને સતત સક્રિય રહેવા વિનંતી કરતાં કહ્યું કે જ્યારે પણ તમને સમય મળે ત્યારે પોતાના વિસ્તારમાં મતદાર યાદીની તપાસ કરો અને 18 વર્ષની ઉંમર પૂર્ણ કરી ચૂકેલા યુવાનોનું નામ મતદાર યાદીમાં ઉમેરો. આ દેશના લોકતંત્રની સૌથી મોટી સેવા છે.

- Advertisement -

મુખ્ય ચૂંટણી કમિશનરે તાજેતરની વિવિધ ચૂંટણીઓમાં નોંધાયેલા વધુ મતદાનના ઉદાહરણો આપતાં જણાવ્યું કે મતદાર જાગૃતિ અને ચૂંટણી કર્મચારીઓની મહેનતથી લોકતંત્ર વધુ મજબૂત બને છે. તેમણે BLOની નિષ્ઠા, મહેનત અને નિષ્પક્ષતાની પ્રશંસા કરતાં કહ્યું કે મતદાર યાદીમાં કોઈ ખામી રહે તો તેની જવાબદારી પરિવારના વડા તરીકે મારી છે, પરંતુ યાદી યોગ્ય અને શુદ્ધ બને તો તેનો શ્રેય અમારા BLOને છે.

તેમણે આગળ જણાવ્યું કે ભારતનું લોકતંત્ર માત્ર કદમાં જ નહીં પરંતુ તેની ઊંડાઈ, વિવિધતા અને જીવંતતામાં પણ અનોખું છે. આવનારી ચૂંટણીઓમાં ગુજરાત વધુમાં વધુ મતદારોને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડીને દેશ માટે નવું ઉદાહરણ સ્થાપિત કરે, એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો.

- Advertisement -

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં તેમણે કહ્યું કે ભારતમાં સ્વસ્થ લોકતંત્ર માટે મતદારોની જાગૃતિ જરૂરી છે. AMA દ્વારા “ભારતમાં ચૂંટણી સંચાલન – વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર” વિષય પર મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું.

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા 70 AMAZING વર્ષોની ઉજવણીના ભાગરૂપે AMA કૅમ્પસમાં “ભારતમાં ચૂંટણી સંચાલન – વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર” વિષય પર મુખ્ય અતિથિ જ્ઞાનેશ કુમાર, મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા સંબોધિત વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં સમગ્ર દેશમાં ચૂંટણી યોજવા માટે જરૂરી કાર્યાત્મક વિશાળતા, તેના સંચાલન અને લોકતાંત્રિક સિદ્ધાંતો વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી.

AMAના કાર્યકારી નિયામક ઉન્મેશ દીક્ષિતે સંસ્થા અને મહેમાનોનો પરિચય આપીને કાર્યક્રમની શરૂઆત કરી. AMAના અધ્યક્ષ રાજીવ ગાંધીએ કહ્યું કે AMA નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે પબ્લિક મેનેજમેન્ટ અને સ્વ-શાસન સાથે જોડાયેલા મહત્વપૂર્ણ વિષયો પર વિચારો, જ્ઞાન અને અનુભવોના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપે છે.

બીજી તરફ આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેએ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારનું ઉષ્માભર્યું સ્વાગત કરતાં કહ્યું કે દેશની ચૂંટણી વ્યવસ્થાના સર્વોચ્ચ અધિકારી અને બૂથ લેવલના અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ થવો એક સુવર્ણ તક છે. તેમણે BLO પ્રત્યે મુખ્ય ચૂંટણી કમિશનરના આત્મીય અભિગમની પ્રશંસા કરી.

સંદીપ સાંગલેએ કહ્યું કે બૂથ લેવલ ઓફિસર ચૂંટણી પંચ અને નાગરિકો વચ્ચેની મહત્વપૂર્ણ કડી તેમજ લોકતાંત્રિક ભાગીદારીના રાજદૂત છે.

Share This Article