Kheda BJP Vipul Patel Controversy: ખેડા જિલ્લાના રાજકારણમાં અત્યારે ભારે ખળભળાટ મચી ગયો છે. અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન અને ભાજપના કદાવર નેતા વિપુલ પટેલે એક જાહેર કાર્યક્રમમાં છાતી ઠોકીને સ્વીકાર્યું છે કે તેમણે રાજકારણમાં રહીને અઢળક રૂપિયા બનાવ્યા છે. સામાન્ય રીતે નેતાઓ ભ્રષ્ટાચારના આક્ષેપો નકારતા હોય છે, પરંતુ વિપુલ પટેલની આ ‘મર્દાનગી’ ભરેલી કબૂલાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા છેડી છે. કપાળે તિલક કરીને ફરતા આ નેતાએ જે રીતે મંચ પરથી આ વાત કરી છે, તેનાથી સાબિત થાય છે કે સત્તાના સહારે આર્થિક સામ્રાજ્ય ઉભું કરવું હવે નેતાઓ માટે ગર્વની વાત બની ગઈ છે.
નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ ઉર્ફે ‘ગોટીયા’ સામે કૌભાંડોના આક્ષેપ
વિપુલ પટેલના નિવેદન બાદ હવે નડિયાદના સ્થાનિક નેતાઓ પણ રડારમાં આવ્યા છે. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ, જેઓ ‘ગોટીયા’ તરીકે ઓળખાય છે, તેમના પર પણ સત્તાનો દુરુપયોગ કરીને કરોડોની બેનામી સંપત્તિ ભેગી કરવાના આક્ષેપો થઈ રહ્યા છે. નડિયાદના દાંડી માર્ગ પર થયેલા બાંધકામોમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની ચર્ચાઓ છે, જેમાં પંકજ દેસાઈની સંડોવણી હોવાનું મનાય છે. આક્ષેપ છે કે પંકજ દેસાઈએ પોતાની વગનો ઉપયોગ કરીને પોલીસ અને વહીવટી તંત્રને પોતાના ઈશારે નચાવ્યું છે, જેથી તેમની વિરુદ્ધ કોઈ અવાજ ઉઠાવી શકે નહીં.
અધિકારીઓ અને પત્રકારો સાથેનું મજબૂત ગઠબંધન
ખેડા અને નડિયાદના અનેક ભાજપના નેતાઓએ સરકારી તંત્ર અને અધિકારીઓનો દુરુપયોગ કરીને કરોડોના આસામી બનવામાં સફળતા મેળવી છે. પંકજ દેસાઈ જેવા નેતાઓ સામે કોઈ કાર્યવાહી ન થવાનું મુખ્ય કારણ તેમનું મજબૂત નેટવર્ક ગણાય છે. અનેક પોલીસ અધિકારીઓ અને કેટલાક સ્થાનિક પત્રકારો આ નેતાઓના બંગલે હાજરી ભરતા હોવાથી તેમના કૌભાંડો ક્યારેય જાહેરમાં આવતા નથી. જે કોઈ પક્ષ કે નેતા વિરુદ્ધ બોલવાની હિંમત કરે, તેને કાયદાની આડશ લઈને દબાવી દેવામાં આવતા હોવાની રાવ પણ ઉઠી છે, જેના કારણે ભ્રષ્ટાચારની જડો વધુ ઊંડી ઉતરી રહી છે.
ભાજપની છબી અને વિરોધ પક્ષો દ્વારા પારદર્શકતાના પ્રશ્નો
વિપુલ પટેલના આ વિવાદિત નિવેદન બાદ વિરોધ પક્ષોએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે અને શાસનમાં પારદર્શકતા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. જોકે, ભાજપના કેટલાક હોદ્દેદારો આ નિવેદનને વિપુલ પટેલનો વ્યક્તિગત અભિપ્રાય ગણાવીને પક્ષને તેનાથી અલિપ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વિપુલ પટેલ ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને અમૂલના ડિરેક્ટર જેવા જવાબદાર હોદ્દા પર હોવાથી, તેમની આ કબૂલાતે પક્ષની ‘સ્વચ્છ શાસન’ની વાતો પર સવાલો ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે સંગઠન આવા નેતાઓ સામે કોઈ શિસ્તભંગની કાર્યવાહી કરે છે કે પછી મૌન સેવી લે છે.

