Maithili Thakur Ahmedabad: ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન બિહારનાં સૌથી યુવા ધારાસભ્ય મૈથિલી ઠાકુરની રજૂઆત, અમદાવાદમાં કાર્યક્રમ બાદ ખુશી વ્યક્ત કરી

Arati Parmar
3 Min Read

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૈથિલી ઠાકુરને આપી શુભેચ્છાઓ, મુલાકાતને ગણાવી સ્નેહપૂર્ણ

Maithili Thakur Ahmedabad: ગુજરાતમાં નવરાત્રિના ઉત્સવ વચ્ચે પહોંચેલાં બિહારનાં સૌથી યુવા ધારાસભ્ય મૈથિલી ઠાકુરે અમદાવાદમાં પોતાની રજૂઆત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને BJPના સૌથી મજબૂત ગઢમાં કાર્યક્રમ આપ્યા બાદ મૈથિલી ઠાકુરે ખુશી વ્યક્ત કરી. તેમણે વીડિયો શેર કરીને લખ્યું, ‘આનંદ આવી ગયો અમદાવાદ’. ગુજરાત પહોંચ્યા બાદ મૈથિલી ઠાકુરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી. ભૂપેન્દ્ર પટેલે મૈથિલી ઠાકુર સાથેની મુલાકાતની તસવીરો શેર કરીને તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

ગુજરાતના CMએ શું લખ્યું

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે X પર લખ્યું છે કે આજે અમદાવાદ એરપોર્ટ પર બિહારનાં સૌથી યુવા ધારાસભ્ય અને દેશનાં અત્યંત લોકપ્રિય લોકગાયિકા સુશ્રી મૈથિલી ઠાકુરજી સાથે સ્નેહપૂર્ણ મુલાકાત થઈ. પોતાના મધુર અવાજથી મિથિલાની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને ભજનોને દેશ-દુનિયામાં નવી ઓળખ અપાવનાર મૈથિલીજીએ સંગીત ક્ષેત્રે અપાર સફળતા મેળવ્યા બાદ હવે રાજકારણના ક્ષેત્રમાં પણ સફળ પ્રવેશ કર્યો છે. તેમને યશસ્વી જીવન માટે હાર્દિક શુભકામનાઓ.

- Advertisement -

મૈથિલી ઠાકુરે ગુજરાતના CM સાથેની મુલાકાત અંગે લખ્યું કે તેમનું સહજ, સરળ અને સ્નેહપૂર્ણ વ્યક્તિત્વ મનને સ્પર્શી ગયું. BJPના એક કાર્યકર તરીકે તેમના વિચારો અને અનુભવોને જાણવાની અને સમજવાની તક મળી. તેમનો સ્નેહ અને માર્ગદર્શન હંમેશાં પ્રેરણા આપતાં રહેશે.

- Advertisement -

મૈથિલી ઠાકુર માત્ર 26 વર્ષનાં છે

25 જુલાઈ, 2000ના રોજ જન્મેલાં મૈથિલી ઠાકુરની ઉંમર હાલમાં લગભગ 26 વર્ષ છે. તેઓ BJPનાં સભ્ય છે અને બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં અલીનગર (મધુબની) વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં. તેઓ બિહારનાં સૌથી યુવા ધારાસભ્યોમાંનાં એક છે. તેઓ પોતાના મધુર અવાજમાં પરંપરાગત મૈથિલી, ભોજપુરી લોકગીતો, છઠ ગીતો, કજરી અને શાસ્ત્રીય સંગીતની શાનદાર રજૂઆત માટે જાણીતાં છે.

તેમણે ખૂબ નાની ઉંમરે સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો. સોશિયલ મીડિયા દ્વારા તેમણે દેશ-વિદેશમાં ભારે લોકપ્રિયતા મેળવી હતી. મૈથિલી ઠાકુરે 2025માં અચાનક રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે તેઓ ખાસ્સાં ચર્ચામાં આવ્યાં હતાં.

- Advertisement -
Share This Article