Municipal Infrastructure Development: નવ મહાનગરપાલિકાઓ માટે મોટો નિર્ણય, નાગરિક સુવિધાઓ માટે 5 વર્ષ સુધી વિનામૂલ્યે મળશે જમીન

Arati Parmar
3 Min Read

Municipal Infrastructure Development: રાજ્યમાં તાજેતરમાં રચાયેલી નવ નવી મહાનગરપાલિકાઓના વિકાસને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર – આ નવ મહાનગરપાલિકાઓને હવે નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે. અગાઉ આ લાભ માત્ર નગરપાલિકાઓને મળતો હતો, પરંતુ હવે નવી રચાયેલી મહાનગરપાલિકાઓને પણ તેમાં આવરી લેવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ટ્રાન્ઝિશન ફેઝમાંથી પસાર થઈ રહેલા આ શહેરોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો અને નાગરિકોને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઝડપથી ઉપલબ્ધ કરાવવાનો છે.

- Advertisement -

11 મહત્વના પ્રોજેક્ટ્સ માટે મળશે વિનામૂલ્યે જમીન

મુખ્યમંત્રીના આ નિર્ણય મુજબ, આગામી પાંચ વર્ષ સુધી આ નવ મહાનગરપાલિકાઓ જાહેર હિતના વિવિધ 11 જેટલા અત્યંત જરૂરી પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન વિનામૂલ્યે મેળવી શકશે. આ પ્રોજેક્ટ્સમાં નગર સેવા સદન (કચેરી), ફાયર સ્ટેશન, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP), વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP), ભૂગર્ભ ગટર ડ્રેનેજ, પંપિંગ સ્ટેશન, વૉટર સપ્લાય પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સૉલિડ/લિક્વિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટ, વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટોર્મ વૉટર ડ્રેનેજ, બાલવાડી કે આંગણવાડી તથા ટાઉન હૉલ, કોમ્યુનિટી હૉલ અને કન્વેન્શન સેન્ટર જેવા કામો માટે પણ જમીન વિનામૂલ્યે ફાળવાશે. આ સુવિધાઓ મળવાથી શહેરના વિસ્તરણમાં જે નવા વિસ્તારો ઉમેરાયા છે, ત્યાં પાયાની સુવિધાઓનો વ્યાપ વધશે.

સરળ પ્રક્રિયા અને ઝડપી વિકાસની આશા

નવી મહાનગરપાલિકાઓની હદમાં જે મોટો ભૌગોલિક વિસ્તાર ઉમેરાયો છે, તેને ધ્યાનમાં રાખીને જમીન ફાળવણીની પ્રક્રિયાને જિલ્લા કક્ષાએ જ વધુ સરળ બનાવવામાં આવી છે. અત્યાર સુધી જમીન મેળવવાની જે જટિલ પ્રક્રિયા હતી, તે હવે સરળ બનવાથી વિકાસના કામોમાં કોઈ અવરોધ નહીં આવે. ફાયર સ્ટેશન જેવી અત્યંત આવશ્યક સેવાઓ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા પર્યાવરણલક્ષી પ્લાન્ટ હવે ઝડપથી આકાર લઈ શકશે. મુખ્યમંત્રીના આ દુરોગામી નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટો સુધારો આવશે અને શહેરી વિકાસ કામોમાં એક નવી ગતિશીલતા જોવા મળશે, જેનો સીધો લાભ લાખો નાગરિકોને મળશે.

- Advertisement -
Share This Article