Navsari Gandevi Election Result: નવસારીમાં કોંગ્રેસનો વહીવટી ધબડકો: ગણદેવી પાલિકામાં ૨૦ ફોર્મ રદ

Arati Parmar
3 Min Read

Navsari Gandevi Election Result: નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મોટો ફટકો પડ્યો છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન પક્ષનો સત્તાવાર ‘મેન્ડેટ’ સમયસર રજૂ ન કરી શકવાને કારણે કોંગ્રેસના તમામ ૨૦ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ વહીવટી બેદરકારીને કારણે કોંગ્રેસે ચૂંટણી લડતા પહેલા જ ગણદેવી નગરપાલિકા પરથી પોતાનો દાવો ગુમાવી દીધો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે અને વિપક્ષની સજ્જતા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ભાજપનું ક્લીન સ્વીપ: ૨૪ માંથી ૨૧ બેઠકો પર બિનહરીફ જીત

કોંગ્રેસના ફોર્મ રદ થતાની સાથે જ ભાજપ માટે જીતનો માર્ગ મોકળો થઈ ગયો છે. ગણદેવી પાલિકાની કુલ ૨૪ બેઠકોમાંથી ૨૧ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. કોંગ્રેસના ૨૦ અને એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપે મતદાન પહેલા જ પાલિકા પર ભગવો લહેરાવી દીધો છે. હવે માત્ર ૩ બેઠકો એવી છે જ્યાં ભાજપના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. આ જીત સાથે ભાજપે નવસારી જિલ્લામાં પોતાનો દબદબો ફરી એકવાર સાબિત કર્યો છે.

- Advertisement -

બાકીની ૩ બેઠકો પર પણ બિનહરીફ કરવા ભાજપની રણનીતિ

હાલમાં વોર્ડ નંબર ૧, ૪ અને ૬ માં ભાજપના ઉમેદવારો સામે અપક્ષો ચૂંટણી લડી રહ્યા છે. જોકે, રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપે આ ત્રણેય બેઠકો પર પણ બિનહરીફ સત્તા મેળવવા માટેની ગોઠવણ શરૂ કરી દીધી છે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ સુધીમાં અપક્ષ ઉમેદવારો પોતાની દાવેદારી પાછી ખેંચી લે તેવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જો આ ત્રણેય ઉમેદવારો પણ બેસી જશે, તો આખી ગણદેવી નગરપાલિકામાં ચૂંટણી યોજાયા વગર જ ભાજપનું સંપૂર્ણ શાસન આવી જશે.

કોંગ્રેસના આંતરિક વિખવાદ અને ‘સેટિંગ’ના આક્ષેપો

મેન્ડેટ રજૂ કરવામાં થયેલી નિષ્ફળતાને લઈને કોંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સામે પક્ષના જ કાર્યકરો આક્ષેપ કરી રહ્યા છે કે આ માત્ર ભૂલ નથી પરંતુ ભાજપને ફાયદો કરાવવા માટેનો પડદા પાછળનો કોઈ ખેલ છે. ભાજપ સામે હંમેશા ‘સામ, દામ, દંડ, ભેદ’ની નીતિના આરોપ લાગતા હોય છે, ત્યારે કોંગ્રેસનું આવું બેજવાબદાર વર્તન શંકા જન્માવે તેવું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે વિપક્ષમાં સંગઠન અને શિસ્તના અભાવે સત્તાધારી પક્ષને વગર મહેનતે જીત મળી રહી છે.

- Advertisement -
Share This Article