ભુજ, તા. 13 : આવનારી પેઢી અને આવતીકાલના નાગરિક એવા છાત્રોમાં નશાકારક ખાદ્ય સામગ્રીનું વ્યસન ઘર ન કરે તેવા આશયથી રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થાનોના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તેના વેચાણ ઉપર વર્ષોથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, પરંતુ તેની અમલવારી ન થતી હોવાનું સ્પષ્ટ દેખાતું હતું. આ વચ્ચે આજે પોલીસે સરપ્રાઇઝ ચેકિંગ ગોઠવીને 304 સ્થાનની તલાશી લઈ તમાકુના 159 કેસ કરી દંડનાત્મક સરાહનીય કામગીરી કરી હતી અને આ કામગીરી અવિરતપણે કાર્યરત રખાશે, તેવું પણ પોલીસે જણાવ્યું છે.

રાજકોટ અગ્નિકાંડનાં પગલે રાજ્ય સરકારે શાળાઓ તેમજ શાળા પરિવહન માટેનાં વાહનો બસ, રિક્ષા, વેનમાં પણ અગ્નિશામક સાધનો વસાવી, એનઓસી લેવા પરિપત્ર?પાઠવ્યું છે. આજે વેકેશન ખુલ્યાનો પ્રથમ દિન હોવાથી બધાને એમ હતું કે આ પરિપત્રને ધ્યાને લઇ પોલીસ કાર્યવાહી કરશે, તેવું સંબંધિતો માની રહ્યા હતા, પરંતુ આ વચ્ચે તમાકુના કેસો કરી પોલીસે સપાટો બોલાવી સંબંધિતોને ચોંકાવી દીધા હતા. સરહદી રેન્જ ભુજ-કચ્છ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયાની સૂચનાથી પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સાગર બાગમારની આગેવાનીમાં પશ્ચિમ કચ્છ પોલીસે વેકેશન ખુલ્યાના પ્રથમ દિને જ સપાટો બોલાવ્યો હતો, જેમાં 304 જેટલા પાન-ગલ્લા, ચાની દુકાન, લારી-ગલ્લાની તલાશી લઇ 159 તમાકુના કેસ કરી 21,200નો દંડ ફટકારાયો હતો, જ્યારે 233 વાહન તલાશી 57 એન.સી. કેસ, નવમાં સ્થળદંડ, 6200 દંડની કાર્યવાહી કરાઇ હતી.
ભવિષ્યમાં પણ આવી દંડનાત્મક કામગીરી અવિરતપણે ચાલુ રહેશે તેવું પોલીસે યાદીમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં અસાધ્ય રોગ મનાતા કેન્સરનો ઉદ્ભવ મુખ્યત્વે જેના કારણે થતો હોવાનું કહેવાય છે તે પાન-મસાલા, ગુટખા અને તમાકુ જેવી નુકસાનકારક નશાખોર સામગ્રીથી દેશની આવનારી પેઢી દૂર રહે તથા આવી સામગ્રીના વેચાણ ઉપર થોડો અંકુશ આવે તેની ગંભીરતા પારખી કાયદામાં જોગવાઇ કરાઇ હતી. આ સંબંધે આજની પોલીસની આ કામગીરી સરાહનીય રહી હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.

