Rajkumar Jat Death Case: રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના રહસ્યમય મોતનો મામલો હવે વધુ ગંભીર વળાંક લઈ રહ્યો છે. પરિવારનો સ્પષ્ટ દાવો છે કે રાજકુમારનું મોત અકસ્માતમાં નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી છે, જેને અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું છે. આજે ગુજરાત હાઇકોર્ટમાં આ કેસની મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી, જેમાં અરજદારના વકીલ મનન ભટ્ટે ચોંકાવનારા પુરાવા રજૂ કર્યા હતા. દાવો કરવામાં આવ્યો છે કે 2 માર્ચ, 2025ના રોજ રાજકુમારને આરોપી ગણેશ ગોંડલના ઘરે નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજમાં રાજકુમારના કપડાં બદલાતા અને નગ્ન અવસ્થામાં જોવા મળતા ગંભીર સવાલો ઉભા થયા છે. મૃતકના શરીરે 42 જેટલી ઇજાઓના નિશાન અને ગુદાના ભાગે ઈજા હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે, જે સામાન્ય માર્ગ અકસ્માતમાં શક્ય નથી.
સરકારનો પક્ષ અને પોલીસની તપાસ પર સવાલો
બીજી તરફ, સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે પોલીસ દ્વારા વિવિધ એંગલથી તપાસ કરવામાં આવી છે. તપાસમાં રાજકુમાર બનાવની રાત્રે એક આશ્રમમાં ગયા હોવાનું અને બસની FSL તપાસમાં માનવ રક્તના નિશાન મળ્યા હોવાનું જણાવાયું હતું. સરકારે એવો દાવો કર્યો હતો કે ગણેશ ગોંડલના ઘરના CCTVમાં રાજકુમારને માર મારતા જોયા હોવા છતાં, ત્યારબાદ તેને જવા દેવામાં આવ્યો હતો. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર સામે પણ ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી છે. જોકે, અરજદારના વકીલે મહાસાગર ટ્રાવેલ્સના માલિક અને આરોપી વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવી પોલીસની તપાસ પર જ ભરોસો રાખવાનો ઈનકાર કર્યો છે.
હાઇકોર્ટની કડક નોંધ અને આગામી સુનાવણી
સુનાવણી દરમિયાન હાઇકોર્ટે તપાસની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવતા પૂછ્યું હતું કે, શું અકસ્માત સર્જનાર બસના માલિક અને આરોપી ગણેશ ગોંડલ વચ્ચે કોઈ સંબંધ છે? સરકારી વકીલે CDR તપાસમાં અત્યાર સુધી આવું કોઈ કનેક્શન ન મળ્યાનું જણાવ્યું હતું, પરંતુ અરજદાર દ્વારા સમગ્ર મામલાની CBI તપાસની માંગ કરવામાં આવી છે. હાઇકોર્ટે તમામ તપાસ રિપોર્ટનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા માટે સમય લીધો છે અને આ કેસની આગામી સુનાવણી 28 જુલાઈના રોજ નક્કી કરવામાં આવી છે. આ કેસ હવે રાજકીય અને ન્યાયિક ગલિયારામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

