ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં જશે, મહિલા જજોની સંખ્યા વધીને ત્રણ થશે
Sunita Agarwal Supreme Court: ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી થશે. સુનીતા અગ્રવાલ દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ બનતાની સાથે જ મહિલા ન્યાયાધીશોની સંખ્યા વધીને ત્રણ થઈ જશે. સુપ્રીમ કોર્ટની કોલેજિયમે સુનીતા અગ્રવાલના નામની ભલામણ કરી છે. કોલેજિયમે તેમને પ્રમોશન આપવાની ભલામણ કરી છે. આવી સ્થિતિમાં તેમની સુપ્રીમ કોર્ટમાં એન્ટ્રી નક્કી માનવામાં આવી રહી છે.
ત્રણ થઈ જશે મહિલા જજોની સંખ્યા
સુનીતા અગ્રવાલના નામની ભલામણ સાથે જ આગામી દિવસોમાં સુપ્રીમ કોર્ટમાં મહિલા જજોની સંખ્યા ત્રણ થવાની સંભાવના છે. દિલ્હી હાઈકોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને તેલંગાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અપરેશ કુમાર સિંહ સાથે સુનીતા અગ્રવાલ આગામી કેટલાક દિવસોમાં સુપ્રીમ કોર્ટ તરફ પ્રયાણ કરશે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં બે મહિલા જજ છે. તેમાં જસ્ટિસ BV નાગરત્ના, જેઓ 31 ઑગસ્ટ, 2021થી ટોચની અદાલતમાં જજ છે, અને જસ્ટિસ વેંકિતા સુબ્રમણિ મોહના, જેમને આ વર્ષે 2 જૂને સુપ્રીમ કોર્ટમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા, સામેલ છે.
આગળ બનશે CJI
જસ્ટિસ નાગરત્ના બાદ સુનીતા અગ્રવાલ પાસે હાઈકોર્ટમાં કામ કરવાનો અનુભવ હશે. જસ્ટિસ મોહનાને સીધા બારમાંથી પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેઓ સુપ્રીમ કોર્ટની સિનિયર એડવોકેટ રહી ચૂક્યાં છે. જસ્ટિસ નાગરત્ના 2027માં એક મહિનાથી વધુ સમય માટે ભારતના ચીફ જસ્ટિસ પણ બનશે. જો કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણને મંજૂરી મળી જાય અને સુનીતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થાય છે, તો સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર 65 વર્ષની નિવૃત્તિ વય હોવાથી તેમનો કાર્યકાળ વધી જશે. સુનીતા અગ્રવાલ આવી સ્થિતિમાં એપ્રિલ, 2031માં નિવૃત્ત થશે.
કોણ છે સુનીતા અગ્રવાલ
ન્યાયમૂર્તિ સુનીતા અગ્રવાલ હાલમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે કાર્યરત છે. તેઓ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનું પદ સંભાળનાર બીજા મહિલા છે. 30 એપ્રિલ 1966ના રોજ ઉત્તર પ્રદેશના ફૈઝાબાદ (હવે અયોધ્યા)માં સુનીતા અગ્રવાલનો જન્મ થયો હતો. તેમણે લખનઉ યુનિવર્સિટીમાંથી BScનો અભ્યાસ કર્યો અને વર્ષ 1989માં ડૉ. રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી, અયોધ્યામાંથી LLBની ડિગ્રી મેળવી છે. તેઓ 1990માં એડવોકેટ તરીકે નોંધાયા હતા. ત્યારબાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં લગભગ 21 વર્ષ સુધી વકીલાત કરી. નવેમ્બર 2011માં તેઓ અલ્હાબાદ હાઈકોર્ટના વધારાના ન્યાયાધીશ અને ઑગસ્ટ 2013માં કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. 23 જુલાઈ 2023ના રોજ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા.

