Traffic Rule: અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વિકટ બની રહી છે. ત્યારે પોલીસ દ્વારા ઇ-મેમો ઈસ્યુ કરવાથી માંડીને અનેક ડ્રાઈવ યોજવામાં આવે છે. ત્યારે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે મહત્ત્વનો નિર્ણય લીધો છે. જેમાં રોંગસાઈડમાં જતા વાહનચાલકો વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે પોલીસે આકરી કાર્યવાહીના ભાગરૂપે છેલ્લા 20 દિવસમાં બે લાખથી વધુ કેસ કરીને 13.21 કરોડ રૂપિયા જેટલો દંડ વસુલ્યો હતો. જો કે, તેમ છતાંય શહેરમાં રોંગસાઇડ, લેફ્ટ ફ્રી સહિતની સમસ્યા યથાવત છે.
જે અનુસંધાનમાં રોંગસાઇડમાં આવતા વાહનચાલકોને નિયંત્રણમાં લેવા માટે ટ્રાફિક પોલીસે હવે દંડ લેવાને બદલે નિયમનો ભંગ કરનાર વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. જે અંગે શહેરના તમામ ટ્રાફિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તેમના વિસ્તારમાં રોંગસાઇડના પોઈન્ટ પર કામગીરી શરૂ કરવા માટે સુચના આપવામાં આવી છે.

