Vadodara Bullet Train Theme Restaurant: મુંબઈ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ક્યારે શરૂ થશે તેની રાહ આખું ગુજરાત જોઈ રહ્યું છે, પરંતુ વડોદરાના લોકોએ તો અત્યારથી જ આ હાઈટેક ટ્રેનનો અનુભવ લેવાનું શરૂ કરી દીધું છે. શહેરના સેવન સીઝ મોલમાં એક અનોખું ‘બુલેટ ટ્રેન થીમ રેસ્ટોરન્ટ’ શરૂ કરવામાં આવ્યું છે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા અગ્રવાલ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલું આ રેસ્ટોરન્ટ માત્ર ભોજન માટે જ નહીં, પણ તેની અદભૂત ડિઝાઈન અને કલ્પનાશક્તિને કારણે પ્રવાસીઓ અને ખાણીપીણીના શોખીનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ચીનની મુસાફરીથી પ્રેરાઈને આર્કિટેક્ટ પિતાએ સાકાર કર્યો વિચાર
આ અનોખા રેસ્ટોરન્ટ પાછળ જાણીતા આર્કિટેક્ટ વિજય અગ્રવાલનો મુખ્ય વિચાર રહેલો છે. તેઓ ચીનની મુલાકાતે ગયા ત્યારે ત્યાંની બુલેટ ટ્રેન અને તેની ટેક્નોલોજીથી અત્યંત પ્રભાવિત થયા હતા. તેમણે વિચાર્યું કે વડોદરાના લોકોને પણ આવો જ કૈંક આધુનિક અનુભવ મળવો જોઈએ. પોતાના મોલમાં ઉપલબ્ધ ખાલી જગ્યાનો સર્જનાત્મક ઉપયોગ કરીને તેમણે એવું રેસ્ટોરન્ટ તૈયાર કર્યું, જે દેખાવમાં અદ્દલ બુલેટ ટ્રેન જેવું જ લાગે છે. તેમના પુત્ર વિરાજ અગ્રવાલે આ પ્રોજેક્ટને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
રિયલ મુસાફરીનો અહેસાસ કરાવતી વિડિયો સ્ક્રીન અને આધુનિક સુવિધા
આ રેસ્ટોરન્ટની સૌથી મોટી વિશેષતા તેની ‘બારીઓ’ છે. ખરેખર તો આ બારીઓ નથી, પરંતુ હાઈ-ડેફિનેશન વિડિયો સ્ક્રીન છે. ગ્રાહકો જ્યારે ભોજન લેવા બેસે છે, ત્યારે આ સ્ક્રીન પર વડોદરાથી મુંબઈ વચ્ચેના મુસાફરી દરમિયાન દેખાતા જીવંત દ્રશ્યો બતાવવામાં આવે છે. ટ્રેન ચાલતી હોય તેવો અહેસાસ કરાવતા આ દ્રશ્યોને કારણે મુલાકાતીઓને લાગે છે કે તેઓ ખરેખર મુસાફરી કરી રહ્યા છે. ૧૫ માર્ચે શરૂ થયેલા આ રેસ્ટોરન્ટને પ્રથમ દિવસથી જ વડોદરાવાસીઓનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે.
વ્યાજબી ભાવે મલ્ટિ-ક્યુઝિન પ્યોર વેજ ભોજનની લિજ્જત
બુલેટ ટ્રેન રેસ્ટોરન્ટમાં માત્ર એમ્બિયન્સ જ નહીં, પણ ભોજનની ગુણવત્તા પર પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. અહીં ગ્રાહકોને પ્યોર વેજ મલ્ટિ-ક્યુઝિન વાનગીઓ પીરસવામાં આવે છે. મંચ કેટરર્સ અને નાગપુરના વૈદેહી કિચનના માર્ગદર્શન હેઠળ અહીંનું મેનૂ તૈયાર કરાયું છે. રેસ્ટોરન્ટના ભાવ પણ ખૂબ જ વ્યાજબી રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય પરિવાર પણ આ લક્ઝુરિયસ અનુભવ માણી શકે. નાની પાર્ટીઓ અને ખાસ પ્રસંગોની ઉજવણી માટે પણ આ જગ્યા હવે વડોદરાની નવી ઓળખ બની રહી છે.

