નવી દિલ્હી, તા. ર7 :સહમતીથી શારીરિક સંબંધ બનાવ્યા બાદ દુષ્કર્મનો કેસ નોંધાવવાને સુપ્રીમ કોર્ટે ચિંતાજનક ગણાવ્યું છે. નવ વર્ષ સુધી સહમતીથી સંબંધ રાખ્યા બાદ સાથી પર દુષ્કર્મનો કેસ નોંધાવનારી મહિલાના આરોપને ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કરી હતી. આરોપી સામે દુષ્કર્મ અને છેતરપિંડીનો કેસ હતો. કોર્ટે કહ્યું કે સહમતીથી શારિરીક સંબંધ બાદ દુષ્કર્મનો કેસ નોંધાવવાની પ્રવૃત્તિ ગંભીર ચિંતાનો વિષય છે. મહિલા સાથી દ્વારા વિરોધ કે લગ્ન પર જોર આપ્યા વિના બન્ને વચ્ચે લાંબા સમય સુધી શારીરિક સંબંધ બાંધવો એ સહમતીથી બનેલા સંબંધનો સંકેત છે, ન કે લગ્નના ખોટા વચન આધારિત સંબંધ પર. જો આવા સંબંધને ગુનાની શ્રેણીમાં નાખી દેવામાં આવે તો તેના ગંભીર સામાજિક અને કાનૂની પરિણામ હોઈ શકે છે. ર018ના બોમ્બે હાઇકોર્ટના આદેશને આરોપીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ફરિયાદી મહિલાએ આરોપ લગાવ્યો હતો કે આરોપીએ તેને લગ્નની લાલચ આપીને વારંવાર તેનું જાતીય શોષણ કર્યું હતું. જસ્ટિસ બી. વી. નાગરત્ના અને જસ્ટિસ એન.કોટિશ્વર સિંહની ખંડપીઠે કહ્યંy કે, સંમતિથી શારીરિક સંબંધ બાદ પુરુષ સાથીને દોષિત ઠરાવવાની પ્રવૃત્તિ ચિંતાનો વિષય છે. કોર્ટે આવી ચર્ચામાં આવેલા સમાન બનાવોની મોટી સંખ્યાને ધ્યાને લઈ ટાંક્યું કે આ ચિંતાજનક પ્રવૃત્તિ છે. જેમાં લાંબા સમય સુધી સહમતીથી શારીરિક સંબંધ બનાવ્યા બાદ સંબંધો વણસે અથવા તૂટે તો ન્યાયની આડમાં ગુનો જાહેર કરવાનો પ્રયાસ કરવામાં આવે છે.

