ગઢચિરોલી, તા. 17 : મહારાષ્ટ્ર-છત્તીસગઢ સીમાએ ગઢચિરોલી જિલ્લાનાં વંડોલી ગામ પાસે સુરક્ષાદળોએ મોટી કાર્યવાહીમાં 12 નક્સલ-વાદીઓને ઠાર મારતાં મોટી સફળતા મેળવી હતી. વંડોલી પાસે થયેલાં ભીષણ ઘર્ષણમાં બે જવાન ઘાયલ થયા હતા. નક્સલીઓ પાસેથી એકે 47 રાઇફલ અને ઓટોમેટિક હથિયારો સહિત મોતનો સામાન કબજે કરાયો હતો. આજે સવારે 10 વાગ્યે સુરક્ષાદળોએ ઓપરેશન શરૂ કર્યું હતું. ગામ નજીક 12થી 15 નક્સલવાદી છૂપાયા હોવાની બાતમી બાદ જવાનોએ અભિયાન છેડયું હતું.

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અને ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 12 નક્સલવાદીને ઠાર મારતાં મોટી સફળતા મેળવનાર સી-60 કમાંડો ટીમ અને ગઢચિરોલી પોલીસને 51 લાખ રૂપિયાનાં ઇનામની ઘોષણા કરી હતી. પોલીસવડાએ જણાવ્યું હતું કે, ઇજાગ્રસ્ત થયેલા સબ ઇન્સ્પેકટર સહિત બે જવાનની તબીયત ખતરાથી બહાર છે. માર્યા ગયેલા નક્સલીઓમાંથી એકની ઓળખ ટીપાગઢ દલમ પ્રભારી લક્ષ્મણ ઉર્ફે વિશાલ અત્રામનાં રૂપમાં થઇ છે. તાજેતરમાં જ છત્તીસગઢના સુકમામાં નક્સલીઓ વિરુદ્ધ છેડાયેલાં અભિયાનમાં મહિલા સહિત ચાર નક્સલી શરણે થયા હતા.

