નવી દિલ્હી, તા. 8 : સતત ત્રીજીવાર વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકનો તખતો ઘડાઇ ગયો છે. આવતીકાલે સાંજે 7.07ના શુભમુહૂર્તે તેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ પદે શપથ લેશે. ભાજપને આ વખતે અગાઉની તુલનાએ ઓછી બેઠકો મળી છે અને નીતીશકુમાર તેમજ ચંદ્રાબાબુ નાયડુ સત્તાની સોદાબાજી કરી રહ્યા છે, તેવા અહેવાલો વચ્ચે કેબિનેટમાં કોને કોને સ્થાન મળે છે, એના પર સૌની નજર રહેશે.

અનેક દેશના પ્રમુખો સહિત 8000 જેટલા ખાસ મહેમાનની ઉપસ્થિતિમાં સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે શપથવિધિ યોજાશે. શપથવિધિ માટે કલમ 144 અને બે દિવસ માટે ડ્રોન, પેરાગ્લાઇડર જેવી ચીજ ઉડાડવા પર પ્રતિબંધ મુકાયો છે. અનેક સ્તરના સુરક્ષા દળો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી સલામતી વ્યવસ્થા સંભાળશે. 500થી વધુ સીસીટીવી કેમેરાથી દેખરેખ રાખવામાં આવશે. સમારોહનું વિવિધ પ્લેટફોર્મ પર જીવંત પ્રસારણ કરાશે. રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથવિધિ સમારોહની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. દેશ-દુનિયાભરમાંથી 8000 ખાસ મહેમાનને આ સમારોહમાં આમંત્રિત કરાયા છે. 9 જૂને શપથગ્રહણ સાથે નરેન્દ્ર મોદી જવાહરલાલ નેહરુ બાદ સતત ત્રીજીવાર આ પદે શપથ લેનારા વડાપ્રધાન બનશે.
શપથગ્રહણ સમારોહનું વિવિધ ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ થશે. ઉપરાંત નરેન્દ્ર મોદીની યુ-ટયુબ સહિત ઓનલાઈન માધ્યમો પર પણ જીવંત પ્રસારણ જોઈ શકાશે. શપથગ્રહણ સમારોહમાં રાજકીય, સામાજિક, ધાર્મિક સહિત અલગ અલગ ક્ષેત્રના આગેવાનો તથા ઉદ્યોગપતિઓ, કલાકારો, ખેલાડીઓને આમંત્રિત કરાયા છે. સાંજે 6 વાગ્યાથી સમારોહની શરૂઆત થશે અને નરેન્દ્ર મોદી 7.07 કલાકે શપથ લેવાના હોવાનું અહેવાલમાં જણાવાયું છે. લોકસભા ચૂંટણીનાં પરિણામ બાદ અગાઉ 8 જૂનને શનિવારે શપથ યોજાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ હતી, બાદમાં નવી સરકારની રચનાની તૈયારીઓ અને સરકાર રચવા દાવા સાથે 9 જૂનનો સાંજનો સમય નિર્ધારિત કરાયો હતો. શ્રી મોદી રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ લેનારા ચંદ્રશેખર, વાજપેયી પછી ત્રીજા વડાપ્રધાન છે.

