ઇતિહાસમાં તેવી કેટલીય ઘટનાઓ હોય છે કે જેની ચર્ચાઓ અવાર-નવાર થતી રહે છે અને આવી ઘટનાઓ તેની પાછળ કેટલાય અંદાજો, શક્યતાઓ અને સંભવનાઓ છોડીને જતી હોય છે.આવી જ એક ઘટના કે જેની પીડા ન કેવળ આ પરિવારને છે પરંતુ આ ઘટનાના ઘા દેશવાસીઓ હજીપણ અનુભવે છે.જેમાં ખાસ તો ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાને લઈને આજે પણ ઘણી ચર્ચાઓ થતી રહે છે. જેમાં ખાસ તો કેવી રીતે તેમની હત્યા કરવામાં આવી? તે માટે તેઓ પોતે કેટલા જવાબદાર હતા? એ હત્યાનું કાવતરું કેટલું ઊંડું હતું. શું તેની હત્યા પાછળ તમિલ સમુદાયમાં માત્ર અસંતોષ હતો કે પછી કેટલાક વિદેશી દળોનું ષડયંત્ર પણ હતું. શું તેની હત્યા પાછળ આપણા દેશની ગુપ્તચર તંત્રની કોઈ નિષ્ફળતા હતી? પરંતુ 21 મેના રોજ તેમની પુણ્યતિથિ પર,અમે બીજા પ્રશ્ન પર વિચાર કરીશું અને તે એ છે કે શું રાજીવ ગાંધીએ ધાર્યું હતું કે શું તેમની અંતિમ ઘડી આવી ગઈ છે ?
એલટીટીઈએ તેની હત્યા કરી હતી
રાજીવ ગાંધીની 21 મે 1991ના રોજ સામાન્ય ચૂંટણી દરમિયાન શ્રીપેદામ્બુદુર, તમિલનાડુમાં પ્રચાર સભામાં વિસ્ફોટના કારણે હત્યા કરવામાં આવી હતી. આ વિસ્ફોટનું કાવતરું એલટીટીઈ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેણે તેની હત્યાની જવાબદારી પણ લીધી હતી. તેમની હત્યાની દેશના રાજકીય માહોલ પર ઊંડી અસર પડી હતી. બાકીની લગભગ અડધી ચૂંટણીઓમાં કોંગ્રેસને સહાનુભૂતિની લહેર મળી હતી, ત્યારબાદ 1991માં કોંગ્રેસ સત્તામાં પાછા ફરવામાં કોઈને કોઈ રીતે સફળ રહી હતી.
પરંતુ અહીં પ્રશ્ન વિચિત્ર લાગે છે કે શું રાજીવ ગાંધીને કોઈ પૂર્વસૂચન કે આગાહી હતી કે તેમનો સમય પૂરો થઈ ગયો છે અથવા તેમની હત્યા થઈ જશે. આ પ્રશ્નને વધુ બળ મળે છે જ્યારે આપણે રાજીવ ગાંધીની હત્યાના દિવસે લેવામાં આવેલા એક ઇન્ટરવ્યુ વિશે જાણીએ છીએ અને તે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ કબૂલ કરે છે કે રાજીવ ગાંધીના શબ્દો પરથી એવું લાગતું હતું કે શું તેમને અંદાજ આવી ગયો હતો કે, આ તેમનો અંતિમ દિવસ છે ? જો કે રાજકીય રીતે આ બાબતને બળ મળતું નથી.ત્યારે આ મુદ્દે અહીં ઇતિહાસના પાનાં ઉથલાવી ડોકિયું કરીયે તો,

તે 30 જુલાઇ 1987 નો એક સામાન્ય દિવસ જ હતો.અને એક ખાસ મોકા પર ભારત અને શ્રીલંકા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રાજીવ ગાંધીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અચાનક શ્રીલંકાના એક સૈનિકે રાજીવ ગાંધી પર જીવલેણ હુમલો કર્યો, પરંતુ તે સમયે રાજીવ ગાંધી એ હુમલામાંથી બચી ગયા. સમગ્ર દેશે આ ઘટના દૂરદર્શન પર જોઈ.
આ ઘટનાના ચાર વર્ષ પછી રાજીવ ગાંધી પર બીજો હુમલો થયો. આ હુમલાના તાર શ્રીલંકા સાથે જોડાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું, પરંતુ આ વખતે રાજીવ ગાંધી બચી શક્યા ન હતા. આ દિવસ હતો 21 મે 1991. તે દિવસે ચેન્નાઈ નજીક શ્રીપેરુમ્બુદુરમાં તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની રેલી યોજાવાની હતી. રાજીવ ગાંધી આ રેલીમાં પહોંચ્યા હતા, પરંતુ તેઓ સ્ટેજ પર પહોંચે તે પહેલા જ માનવ બોમ્બ દ્વારા તેમની હત્યા કરવામાં આવી હતી.
રાજીવ ગાંધીની હત્યાના બે દિવસ સુધી કોઈને કંઈ ખબર ન હતી કે તે કેમ, કેવી રીતે થયું અને કોણે કર્યું. હુમલાના બે દિવસ પછી, એવું બહાર આવ્યું કે આ હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી જે રેલીમાં પહેલાથી જ હાજર હતી જે માનવ બોમ્બ તરીકે રજૂ કરવામાં આવી હતી.
તે રેલીમાં, જ્યારે મહિલા રાજીવ ગાંધીના પગને સ્પર્શ કરવા માટે નીચે ઝૂકી ગઈ, ત્યારે તેણે બોમ્બનું ટ્રિગર તેની કમરમાં દબાવ્યું અને થોડી જ વારમાં રાજીવ ગાંધી અને હુમલાખોર ધનુ સહિત 16 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આ હુમલામાં 45 લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
રાજીવ ગાંધીની હત્યા બાદ ટ્રાયલ કોર્ટે આ સમગ્ર કેસમાં 26 દોષિતોને ફાંસીની સજા સંભળાવી હતી. જો કે મે 1999માં સુપ્રીમ કોર્ટે 19 લોકોને નિર્દોષ જાહેર કર્યા હતા. બાકીના સાત આરોપીઓમાંથી, નલિની, મુરુગન, સંથન અને પેરારીવલન નામના ચારને મૃત્યુદંડની સજા અને ત્રણ (રવિચંદ્રન, રોબર્ટ પાયસ અને જયકુમાર)ને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
એક સહી જે હત્યાનું કારણ બની હતી
આ આખી વાર્તા શ્રીલંકાની આઝાદીથી શરૂ થાય છે. ભારતના પડોશી દેશ શ્રીલંકામાં, બહુમતી વસ્તી સિંહાલી લોકોની હતી જેઓ બૌદ્ધ ધર્મમાં માનતા હતા. આ દેશમાં મોટી સંખ્યામાં તમિલ વસ્તી પણ રહેતી હતી, પરંતુ તેઓ સતત ઉપેક્ષાનો શિકાર બની રહ્યા હતા.
વર્ષ 1972 માં, આ દેશનું બંધારણ બનાવવામાં આવ્યું હતું જેમાં બહુમતી વસ્તીના બૌદ્ધ ધર્મને આ દેશના પ્રાથમિક ધર્મ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ બંધારણમાં બહુમતી હોવા છતાં, બૌદ્ધ ધર્મના સિંહાલી લોકોને સર્વત્ર પ્રાધાન્ય અને અનામત આપવાનું શરૂ થયું અને તમિલો હાંસિયામાં ધકેલાઈ ગયા.
પરિણામે ત્યાં રહેતા તમિલ લોકોએ હથિયાર ઉપાડ્યા. તે સમયે, તમિલ યુવક વેલુપિલ્લઈ પ્રભાકરને લિબરેશન ટાઈગર્સ ઑફ તમિલ ઈલમ એટલે કે એલટીટીઈ નામનું સંગઠન બનાવ્યું હતું, જે 80ના દાયકા સુધીમાં આતંકવાદી સંગઠન તરીકે ઓળખાઈ ગયું હતું.આ સંગઠને 23 જુલાઈ 1983ના રોજ શ્રીલંકાના 13 સૈનિકોની હત્યા કરી હતી. જે બાદ દેશની અંદર ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું. દેશમાં બે સમુદાયો, સિંહાલી અને તમિલો એકબીજામાં લડતા હતા, બાદમાં શ્રીલંકાની સરકાર પણ તેમાં સામેલ થઈ ગઈ હતી.
હવે વર્ષ 1987 આવે છે, આ વર્ષે ભારત અને શ્રીલંકા સરકાર વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં એ નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત પોતાના શસ્ત્રો એલટીટીઈને સોંપશે. કરાર બાદ ભારતે પોતાની સેના શ્રીલંકામાં મોકલી હતી. આ સેનાનું નામ ઈન્ડિયન પીસ કીપિંગ ફોર્સ એટલે કે આઈપીકેએફ રાખવામાં આવ્યું હતું.
IPKF અને LTTE વચ્ચેનો સંબંધ
આ સેનાએ જાફના પાસે શ્રીલંકાના પલાલીમાં પોતાનો અડ્ડો બનાવ્યો હતો. બીજી તરફ, એલટીટીઈએ પણ તેમના શસ્ત્રો મૂકવા સંમત થયા હતા. ધીરે ધીરે એલટીટીઈ સંગઠનના ઘણા આતંકવાદીઓએ આત્મસમર્પણ કરવાનું શરૂ કર્યું. તે વર્ષના ઓક્ટોબર મહિનામાં, શ્રીલંકાની સેનાએ આ સંગઠનના બે કમાન્ડરોને પકડી લીધા હતા અને તેઓને શ્રીલંકન સેના અને IPKFની સંયુક્ત કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.
ઇન્ડિયન પીસ કીપિંગ ફોર્સ એલટીટીઇ સંગઠનના કમાન્ડરોને શ્રીલંકાની સરકારને સોંપવા સંમત થયા હતા. પરંતુ તેઓ તેને સોંપે તે પહેલા આ કમાન્ડરોએ સાઇનાઇડ પીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પછી LTTE અને IPKF વચ્ચેના સંબંધો બગડ્યા.
ઓપરેશન પવન
13 ઓક્ટોબર 1987ના રોજ, ભારતીય શાંતિ રક્ષક દળે ‘ઓપરેશન પવન’ શરૂ કર્યું. આ ઓપરેશન ત્રણ વર્ષ સુધી ચલાવવામાં આવ્યું અને આ દરમિયાન અનેક ભારતીય જવાનો શહીદ થયા. 24 માર્ચ 1990ના રોજ, છેલ્લો IPKF કાફલો શ્રીલંકાથી પાછો ફર્યો. એવું માનવામાં આવે છે કે ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં ભારતીય સેનાનું આ ઓપરેશન તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાનું કારણ બન્યું હતું.
હુમલા પાછળનું કારણ
હકીકતમાં, રાજીવ ગાંધીની સરકારે જ ભારતીય સેનાને શ્રીલંકામાં મોકલી હતી. જ્યારે શ્રીલંકામાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે એલટીટીઈના વડા પ્રભાકરનને ભારતની રાજધાની દિલ્હી બોલાવવામાં આવ્યો હતો. તે સમયે રાજીવ ગાંધી પણ તેમને મળ્યા હતા. એવું કહેવાય છે કે બંને વચ્ચેની મુલાકાત સારી રહી ન હતી અને તે જ ક્ષણે પ્રભાકરે નક્કી કરી લીધું હતું કે બદલો લેવામાં આવશે.
વર્ષ 1989 માં, જ્યારે ભારતમાં રાજીવ ગાંધીની સરકાર પડી અને દેશમાં રાજકીય અસ્થિરતા હતી. તે જ સમયે, રાજીવ ગાંધીએ શ્રીલંકા સાથે શાંતિ કરારનું સમર્થન કર્યું હતું. તે મુલાકાતમાં તેણે અખંડ શ્રીલંકા વિશે વાત કરી હતી. જેના કારણે એલટીટીઈનું અલગ વિશ્વનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું.
આ સંગઠનને ડર હતો કે જો રાજીવ ગાંધી ભારતના વડાપ્રધાન બનશે તો તેનાથી તેમના સપના અને સંગઠનને ખતરો પડી શકે છે. તેથી, LTTEએ તેમની હત્યાનું આમ કાવતરું ઘડ્યું.
by : Reena brahmbhatt

