દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટથી હડકંપ : નવી દિલ્હી, તા. 20 : થોડા દિવસો બાદ જ દેશમાં તહેવારોના રાજા દિવાળીની ઉજવણીઓ શરૂ થવાની છે તે વચ્ચે દેશની સુરક્ષાને જોખમાવતી ઘટનામાં રવિવારે રાજધાની દિલ્હીના ઉપશહેર રોહિણીમાં આવેલા પ્રશાંત વિહાર વિસ્તારમાં વહેલી સવારે સીઆરપીએફ સ્કૂલની દીવાલ નજીક જોરદાર ધડાકો થતાં અફરાતફરી મચી હતી. ધડાકા બાદ ક્રાઈમ ટીમ, બીટીડી ટીમ, એનઆઈએ, એનએસજી, સીઆરપીએફ અને દિલ્હી પોલીસ સહિતની એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી વિસ્ફોટ કેવી રીતે અને કોણે કર્યો તે માટે સીસીટીવી કેમેરા અને બનાવસ્થળેથી મળેલા નમૂનાઓ પરીક્ષણ માટે મોકલાયા હતા.
જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. ગૃહ મંત્રાલયે આ ઘટના અંગે સચોટ અહેવાલ પણ માગ્યો છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, એક ઉચ્ચ પોલીસ અધિકારીએ વિગતો આપતાં કહ્યું હતું કે, સીઆરપીએફ સ્કૂલ નજીક થયેલા ધડાકા બાદ સ્થાનિકોને તીવ્ર ગંધ આવતી હતી. પોલીસની ફોરેન્સિક ટીમે બનાવસ્થળેથી એકત્ર કરેલા નમૂનામાં એમોનિયમ નાઈટ્રેઈટ અને ક્લોરાઈડના મિશ્રણવાળો પાઉડર મળ્યો છે, જેને પરીક્ષણ માટે મકલાયો છે. તે ઉપરાંત આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તપાસવામાં આવી રહ્યા છે, તેમજ તે સમયે વિસ્તારમાં રહેલા મોબાઈલ-નેટવર્કની વિગતો પણ મેળવાઈ રહી છે.
હાલમાં વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા સમગ્ર ક્ષેત્રની ઘેરાબંધી કરી દેવાઈ છે. એનએસજી કમાન્ડોએ જગ્યાને સ્કેન કરવા માટે રોબોટ પણ તૈનાત કર્યા છે. તે સિવાય સ્થાનિકોને કોઈ પણ શંકાસ્પદ લાગે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા કહેવાયું છે તેમ જણાવ્યું હતું. ઘટનાની ગંભીરતા લઈ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સમગ્ર મામલે તાત્કાલિક વિસ્તૃત અહેવાલ આપવા તપાસનીસ એજન્સીઓને નિર્દેશ આપ્યા હતા.
વિસ્ફોટ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પહેલાં તો ધડાકાનો અવાજ આવતાં ગેસનો બાટલો ફાટયો હોવાનું સમજાયું હતું. તેથી તાત્કાલિક પોલીસ અને ફાયર શાખાને જાણ કરાઈ હતી. આ ધડાકો એટલો જોરદાર હતો કે, શાળાની બાજુમાં પાર્ક કરાયેલા વાહનો અને દુકાનોને પણ નુકસાન થયું હતું. ઘટનાસ્થળની તદ્દન નજીક રહેલા એક દુકાનધારકે કહ્યું હતું કે, જોરદાર ધડાકાના કારણે દુકાનના કાચ સહિતની વસ્તુઓ પડી ગયા હતા અને તૂટી ગયા હતા. આકાશમાં ધુમાડાના ગોટેગોટા ઊડતા દેખાયા હતા, જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
વિસ્ફોટના થોડા સમય પહેલાં જ ત્યાંથી કાર તથા નાના વાહનો પસાર થયા હતા. – વધુ 20 વિમાન ઉડાવવાની ધમકી : નવી દિલ્હી, તા. 20 : દેશમાં વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ વણથંભી રીતે મળી રહી છે. રવિવારે પણ વિસ્તારા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા સહિતની એરલાઇન્સ કંપનીઓના 20થી વધુ વિમાનોને ધમકી મળતાં તાકીદનું ઊતરાણ કરાવવું પડયું હતું.
છેલ્લા એક અઠવાડિયામાં 90થી વધુ વિમાનોને ધમકીઓ મળી ચૂકી છે. આ ધમકીઓ પાછળ ભારત વિરોધી આતંકી સંગઠનનો હાથ હોવાની આશંકા ભારતીય સુરક્ષા એજન્સીઓએ વ્યક્ત કરી હતી. ભારતે આ અંગે અમેરિકાને પણ જાણકારી આપી દીધી હતી. અહેવાલોમાં અમેરિકા, લંડન, જર્મની અને કેનેડા જેવા દેશોમાંથી બોગસ વીપીએન જનરેટ કરીને આ ધમકી અપાઇ હોવાની વાતો જાણવા મળી છે.
ધમકી આપનાર એકાઉન્ટની ઓળખ ।઼ફમફળહફક્ષુફ1111 તરીકે થઈ છે. જેણે અમેરિકન એરલાઇન્સ, જેટબ્લ્યૂ અને એર ન્યૂઝીલેન્ડ જેવી વિદેશી એરલાઇન્સને પણ ધમકી આપવાનું શરૂ કર્યું હતું. આ એકાઉન્ટ શનિવાર બપોર સુધી એક્ટિવ હતું પણ બાદમાં એક્સ તરફથી એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. એક અઠવાડિયામાં કુલ 70 ધમકી મળી છે અને તેમાંથી 46 વિમાનોને ધમકી એક જ એકાઉન્ટમાંથી પોસ્ટ કરવામાં આવી છે.
આ દરમિયાન વિસ્તારા એરલાઇનના વિમાનમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. વિમાન સિંગાપુરથી પૂણે આવી રહ્યું હતું. ધમકી મળ્યા બાદ પૂણેમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આકાશ એરની લખનઉથી મુંબઈ જતી ફલાઇટમાં પણ બોમ્બનો કોલ આવ્યો હતો. ત્યારબાદ આકાસાના વિમાનનું પણ ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. સામાન્ય રીતે ફર્જી ધમકી આપવા માટે ઉપયોગમાં લવાતા સોશિયલ મીડિયા એકાઉન્ટ નવા બનાવેલા હોય છે. તેમાં મોટાભાગની ધમકી ફર્જી હોય છે.
જો કે એરલાઇન્સ આવા મામલામાં ગંભીરતા રાખે છે. વિમાનની તપાસ કરવામાં લાંબો સમય ચાલ્યો જાય છે અને એરલાઇન્સને આર્થિક નુકસાન પણ ભોગવવું પડે છે. શનિવારે આ એકાઉન્ટમાંથી જે ઇન્ડિયન એરલાઇનને ધમકી મળી હતી તેમાં એર ઇન્ડિયા, વિસ્તારા, ઇન્ડિગો, આકાસા એર, સ્પાઇસજેટ, અલાયન્સ એર અને સ્ટાર એર સામેલ છે. આ તમામ એરલાઇનને પાંચ પાંચ ફલાઇટ માટે ધમકી મળી હતી. તમામને એક જેવો જ મેસેજ મોકલવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં અંદાજિત 70 ધમકી મળી ચૂકી છે અને તમામ ફર્જી નીકળી છે. ગુમનામ એકાઉન્ટ પાછળના શખસ અને ગ્રુપની તપાસ માટે કાર્યવાહી ચાલી રહી છે.

