નારાજીથી મમતા બેનર્જી કહ્યું, હું રાજીનામું આપવા તૈયાર

Reena Brahmbhatt
2 Min Read

કોલકાતા, તા. 12 : આર.જી. કર દુષ્કર્મ – હત્યા કેસમાં તબીબો અને પશ્ચિમ બંગાળ સરકાર વચ્ચે જારી મડાગાંઠ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે એક મોટાં નિવેદનમાં જણાવ્યું હતું કે, જુનિયર ડોક્ટરોનો આ મુદ્દો ઉકેલવા માટેની વાતચીત માટેનો ઈન્કાર ખેદજનક છે. લોકોનાં હિત માટે હું રાજીનામું આપવા તૈયાર છું.

સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ હડતાળ જારી રાખનાર પશ્ચિમ બંગાળના જુનિયર ડોક્ટરોએ મમતા બેનર્જીની સરકાર સાથે વાતચીત કરવા માટે વાટાઘાટની લાઈવ સ્ટ્રીમિંગની શરત સાથે તૈયારી બતાવી હતી, જેને માનવાનો મમતા સરકારે ઈન્કાર કરી દીધો છે. પ્રદર્શનકારી તબીબો સાથે બેઠક માટે બે કલાક રાહ જોનારા બેનર્જીએ કહ્યું હતું કે હું પીડિતાને ન્યાય અપાવવા માગું છું અને મડાગાંઠ માટે રાજ્યના લોકોની માફી માગુ છું. કોલકાતાની આર.જી. કર હોસ્પિટલમાં મહિલા ડોક્ટરના બળાત્કાર અને હત્યાકાંડ બાદથી પ્રચંડ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા અને આ ઘટનાને એક માસ બાદ પણ દેખાવો ચાલી રહ્યા છે.

- Advertisement -

Mamata Banerjee

લાંબો સમય સુધી ચાલેલી તબીબોની હડતાળનાં કારણે હોસ્પિટલોમાં દર્દીઓને પડતી હાલાકીને ધ્યાને રાખતાં સુપ્રીમ કોર્ટે તેમને કામ ઉપર પરત ફરવાની ચેતવણી આપી હોવા છતાં હડતાળ અટકી નહોતી, પણ તબીબોએ મમતા સરકાર સાથે વાટાઘાટ માટે તૈયારી બતાવી હતી. જો કે, તેમના તરફથી એવી શરત મૂકવામાં આવી હતી કે બેઠકમાં મમતા બેનર્જી પોતે હાજર રહેશે અને વાતચીતનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે. જો કે, રાજ્ય સરકારે આ શરતો માનવાનો ઈન્કાર કરી દીધો છે. રાજ્ય સચિવાલયના ગેટ સુધી પહોંચેલા ડોક્ટરોએ જ્યાં સુધી લાઈવ સ્ટ્રીમિંગ ન થાય ત્યાં સુધી વાતચીતનો ઈન્કાર કર્યો હતો.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, પ્રદર્શનકારી ડોક્ટરોએ સતત બીજા દિવસે પણ સ્વાસ્થ્યભવન સમક્ષ ધરણા ચાલુ રાખ્યા હતા. સ્વાસ્થ્યમંત્રી ચંદ્રિમા ભટ્ટાચાર્યએ કહ્યંyં હતું કે, વાતચીત માટે શરતો મૂકવી ચિકિત્સકોની સમસ્યાઓનું સમાધાન શોધવા માટે ખુલ્લા મનથી આગળ વધવાનો સંકેત નથી. સરકાર તેમની વાતો સાંભળવા તૈયાર છે, પણ તેના માટે કોઈ પૂર્વ શરતો ન હોવી જોઈએ. આ સાથે જ તેમણે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ડોક્ટરોને કામ ઉપર પાછા ચડી જવાની અપીલ પણ દોહરાવી હતી.

Share This Article