Avimukteshwaranand controversy: ભારતમાં અત્યારે રાજસત્તા અને ધર્મસત્તા સામસામે આવી ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે. ઉત્તરાખંડ સ્થિત જ્યોતિર્મઠ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી અને સરકાર વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. વિરોધ પક્ષો બાદ હવે ધર્મના સર્વોચ્ચ ગાદીપતિઓ સામે થઈ રહેલી કાર્યવાહીને કારણે ‘હિન્દુ સરકારમાં હિન્દુ સાધુઓ ખતરામાં’ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
વિવાદનું મૂળ: તીખા નિવેદનો અને સવાલો
સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરકારની આંખમાં કણાની જેમ ખૂંચે છે, જેની પાછળ તેમના બેફાક નિવેદનો જવાબદાર માનવામાં આવે છે:
જન્મદિવસનો વિવાદ: વડાપ્રધાન મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, જે વ્યક્તિ અંગ્રેજી તારીખથી જન્મદિવસ ઉજવે છે તેને અમે હિન્દુ નથી માનતા.
ગૌહત્યાનો મુદ્દો: તેમણે તંત્રને સવાલ કર્યો હતો કે ગૌભક્ત હોવા છતાં ગૌહત્યા કેમ બંધ નથી કરાવાતી? તમારા પર શું દબાણ છે તે જાહેર કરો અથવા હિન્દુ-હિન્દુ બોલવાનું બંધ કરો.
સીએમ યોગીનો વળતો પ્રહાર: અવિમુક્તેશ્વરાનંદનું નામ લીધા વિના સીએમ યોગીએ ‘કાલનેમી’ શબ્દનો પ્રયોગ કરી સનાતન ધર્મને નબળો પાડનારાઓ સામે સાવધ રહેવા જણાવ્યું હતું.
માઘ મેળામાં ઘર્ષણ અને પોલીસ કાર્યવાહી
૧૮ જાન્યુઆરીએ મૌની અમાસના દિવસે માઘ મેળામાં થયેલી ઘટનાએ આ વિવાદમાં ઘી હોમવાનું કામ કર્યું છે:
૧. પાલખી વિવાદ: શંકરાચાર્ય જ્યારે પાલખીમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસે તેમને રોક્યા હતા, જેના કારણે શિષ્યો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી થઈ હતી.
૨. સાધુઓ સાથે ગેરવર્તન: આક્ષેપ છે કે સાધુઓને ઢસેડવામાં આવ્યા અને પાલખીઓ તોડી પાડવામાં આવી, જે કોઈપણ સત્તાની પરવાનગી વિના શક્ય નથી.
૩. શંકરાચાર્ય પદ પર સવાલ: સરકારી અધિકારી અનિલ કુમારે શંકરાચાર્યના શિબિર પર નોટિસ ચોંટાડી સુપ્રીમ કોર્ટના જૂના આદેશનો હવાલો આપી પૂછ્યું હતું કે, તેમણે પોતાને શંકરાચાર્ય કેવી રીતે જાહેર કર્યા?
પડદા પાછળની રણનીતિ?
નોટિસમાં ઉલ્લેખાયેલા મુદ્દાઓ જોતા એવું જણાય છે કે આ કોઈ ત્વરિત કાર્યવાહી નથી, પરંતુ બંધ બારણે ઘડવામાં આવેલી લાંબાગાળાની રણનીતિ છે. વિવેચકોનું માનવું છે કે સત્તાને હવે તેની સામે બોલનારા કે ધર્મની રક્ષા કાજે સવાલ કરનારા સાધુઓ પસંદ નથી. આ સમગ્ર ઘટનાક્રમ સૂચવે છે કે આગામી સમયમાં રાજસત્તા અને ધર્મસત્તા વચ્ચેનો આ જંગ વધુ ઉગ્ર બની શકે છે.

