Boeing 787 Safe For Fly Says US Officials: બોઇંગ વિમાનો પર રોક લાગશે? અમદાવાદ ક્રેશ પછી અમેરિકાએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન

Arati Parmar
2 Min Read

Boeing 787 Safe For Fly Says US Officials: અમેરિકાના પરિવહન વિભાગના સચિવ સીન ડફીએ ગઈકાલે અમદાવાદમાં બનેલી હૃદયદ્રાવક વિમાન દુર્ઘટના પ્રત્યે શોક વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, હાલ બોઈંગ 787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટમાં કોઈ ખામીના પુરાવા મળ્યા નથી. જેથી અમે તેની ફ્લાઈટ્સ પર હાલ કોઈ પ્રતિબંધો લાદીશુ નહીં. ડફીએ આ દુર્ઘટના મામલે તપાસમાં ભારતને જરૂરી તમામ સહયોગ આપવાનું પણ વચન આપ્યું છે.

સીન ડફીએ જણાવ્યું હતું કે, અમારૂ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ આ દુર્ઘટનાની તપાસ મામલે ભારતને તમામ સહાય પ્રદાન કરશે. હજી સુધી બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાનની ઉડાન અટકાવવાની જરૂર નથી. અમે આ દુર્ઘટના સાથે જોડાયેલા વીડિયો ક્લિપ્સ જોયા છે. પરંતુ હજી સુધી એવી કોઈ ટેક્નિકલ કે સિક્યોરિટી ખામીનો ડેટા મળ્યો નથી. જેનાથી સાબિત થઈ શકે કે, વિમાન મૉડલ (બોઈંગ 787)માં કોઈ ખામી છે. અમેરિકાના પરિવહન સચિવ સીન ડફી અને એક્ટિંગ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FFA) ચીફ ક્રિસ રોશેલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી આ અંગે જણાવ્યું હતું.

- Advertisement -

અમેરિકા દુર્ઘટનામાં સંપૂર્ણ સહયોગ આપશે

ડફીએ જણાવ્યું હતું કે, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ, FAA, અને બોઈંગ તથા એન્જિન મેકર જીઈ એરોસ્પેસના પ્રતિનિધિઓ ભારતને આ દુર્ઘટના મામલે તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. અમે હાલ બોઈંગ અને જીઈ સાથે દુર્ઘટનાના ઉપલબ્ધ ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. કોઈપણ સલામતી ભલામણોનો અમલ કરવામાં અચકાઈશું નહીં. અમે તથ્યોનું પાલન કરીશું અને સલામતીને પ્રથમ સ્થાન આપીશું. FAA પેસેન્જર વિમાનની સુરક્ષાની ખાતરી કરતાં ભારતને વધારાના ડેટા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.

- Advertisement -

અમેરિકા કેવી રીતે કરશે તપાસ

નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ અમેરિકન સરકારની એજન્સી છે. જે પરિવહન સંબંધિત દુર્ઘટનાઓ, અકસ્માતની તપાસ કરે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં તેને તમામ માહિતીઓ ભારત દ્વારા પૂરી પાડવામાં આવશે. તેની તપાસ ટીમ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટીગેશન બ્યૂરોને તપાસમાં મદદ કરવા ભારત આવશે.

- Advertisement -

ટ્રમ્પે શોક વ્યક્ત કર્યો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ દુર્ઘટનાને ભયાવહ ગણાવતાં દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત એ મોટો અને મજબૂત દેશ છે, તે આ દુર્ઘટનામાંથી ઉભરી આવશે. મને ખાતરી છે. જો જરૂર પડી તો અમે ભારતને તમામ પ્રકારની તાત્કાલિક ધોરણે મદદ કરવા તૈયાર છીએ.

 

 

Share This Article