BRICS Gala Dinner: BRICS ગાલા ડિનરમાં ભારતીય વાનગીઓની સમૃદ્ધ પરંપરાની ઝલક
BRICS Gala Dinner: 18મા BRICS શિખર સંમેલનના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત મંડપમ ખાતે BRICS દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, પ્રતિનિધિઓ અને વિશિષ્ટ મહેમાનો માટે ભવ્ય ગાલા ડિનરનું આયોજન કર્યું. આ ખાસ સાંજના મેન્યૂમાં ભારતની સમૃદ્ધ રસોઈ પરંપરાની ઝલક જોવા મળી. અલગ-અલગ રાજ્યોની પરંપરાગત શાકાહારી વાનગીઓને આધુનિક અંદાજમાં રજૂ કરીને મહેમાનોને દેશના વિવિધ સ્વાદોથી પરિચિત કરાવવામાં આવ્યા. BRICS ગાલા ડિનરની ચર્ચા હવે ચારે તરફ થઈ રહી છે.
ગાલા ડિનરની શરૂઆત સ્ટાર્ટર સાથે થઈ. મહેમાનોને ખાંડવી મિલ-ફૉય પરોસવામાં આવી, જેમાં બેસનમાંથી બનાવેલી સ્ટીમ્ડ ખાંડવીને રાઈ, નાળિયેર અને કઢી પત્તાના વઘાર સાથે કેસર કેરી, માઇક્રોગ્રીન્સ અને યોગર્ટ ડ્રેસિંગ સાથે પીરસવામાં આવી. આ ઉપરાંત ખુમ્બ ગલૌટીમાં તવા પર હળવેથી ગ્રિલ કરવામાં આવેલા મશરૂમ કબાબને મિન્ટ પર્લ્સ અને શીરમલ બ્રેડ સાથે પીરસવામાં આવ્યા.
ભોજનમાં જોવા મળી ભારતીય વાનગીઓની ઝલક
મુખ્ય ભોજનમાં ભારતીય વાનગીઓની સમૃદ્ધ પરંપરાની ઝલક જોવા મળી. મેન્યૂમાં પનીર લબાબદાર, ગુચ્છી માર્મિક (હિમાલયન ગુચ્છી મશરૂમ અને એસ્પેરેગસને કેસર, કિસમિસ અને મમરા બદામ સાથે તૈયાર કરવામાં આવેલી વાનગી), કેરટ બીન પોરિયાલ, ઠક્કાલી બેલે સારુ (તુવેર દાળ અને ટામેટાંમાંથી તૈયાર કરવામાં આવેલું દક્ષિણ ભારતીય શૈલીનું હળવું સૂપ), મિલેટ પુલાવ, બીટરૂટ રાયતા અને વિવિધ પ્રકારની ભારતીય રોટલીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ડેઝર્ટમાં પીરસવામાં આવી જલેબી અને શહતૂત ફરણી
ડેઝર્ટમાં મહેમાનોને જૂની દિલ્હી ના લોકપ્રિય સ્વાદથી પ્રેરિત ઓલ્ડ દિલ્હી ફ્રૂટ ક્રીમ વિથ જલેબી પીરસવામાં આવી, જેમાં મોસમી ફળો અને હળવી વ્હિપ્ડ ક્રીમ સાથે કરકરી જલેબી પીરસવામાં આવી. આ સાથે શહતૂત ફરણી પણ પીરસવામાં આવી, જેને ધીમી આંચ પર દૂધ અને ચોખામાંથી તૈયાર કરીને મીઠા શહતૂત અને ગોલ્ડ લીફથી સજાવવામાં આવી.
BRICS ગાલા ડિનર દ્વારા ભારતે વૈશ્વિક નેતાઓ સમક્ષ પોતાની સમૃદ્ધ રસોઈ પરંપરા, મિલેટ્સને પ્રોત્સાહન આપવાની પહેલ અને વિવિધ રાજ્યોની પરંપરાગત રસોઈનું અનોખું સંગમ રજૂ કર્યું. આ આયોજન 18મા BRICS શિખર સંમેલનના પ્રથમ દિવસની મુખ્ય સાંસ્કૃતિક અને રાજદ્વારી યજમાનીનો એક ભાગ રહ્યું.

