સી. આર. પાટીલે જણાવ્યું કે ભાજપની પ્રચંડ જીત ઇતિહાસમાં અંકિત થશે
ભુજ, તા. 16 : આગામી લોકસભા ચૂંટણીમાં જનતાએ નરેન્દ્ર મોદીને ત્રીજીવાર દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે, ત્યારે કચ્છ સહિત ગુજરાતની તમામ 26 બેઠક પર ભાજપની પ્રચંડ જીત ઈતિહાસમાં અંકિત થશે તેવો મક્કમ વિશ્વાસ પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટિલે વ્યક્ત કર્યો હતો. અનુ. જાતિ માટે અનામત એવી કચ્છ લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાના ઉમેદવારી ફોર્મ ભરવા પૂર્વે આયોજિત વિજય સંકલ્પ રેલીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષે કચ્છની બેઠક પર શ્રી ચાવડા પાંચ લાખથી પણ વધુ મતથી જીતી ઈતિહાસ રચશે, તેવો વિશ્વાસ વ્યક્ત કરી વિજયોત્સવ માટે પ્રદેશ ભાજપે આગોતરું નોતરું પણ કાર્યકરોને આપી દીધું હતું.
જાહેરસભા પૂર્વે ભાજપના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયથી રોડ શો નીકળ્યો હતો, જેમાં સી.આર. પાટિલ, વિનોદ ચાવડા સહિતે ખાસ રથમાં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મુંદરા રોડ પર ક્ષેત્રપાળ એપીટોમ ગ્રાઉન્ડ પર વિશાળ સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિમાં યોજાયેલી વિજય સંકલ્પ રેલી અને સભાને સંબોધતાં ચન્દ્રકાંત પાટિલે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ છેવાડાના લોકો સુધી વિકાસના ફળ પહોંચાડવા 30 મુખ્ય અને 180 પેટા યોજના બનાવી અને આજે આ વિકાસનું ભાથું લઈને ભાજપના ઉમેદવારો વિજયનો સંકલ્પ સાકાર કરવા નીકળ્યા છે. શ્રી પાટિલે કહ્યું કે, વિનોદ ચાવડાએ દસ વર્ષમાં કચ્છ અને મોરબી માટે અનેકવિધ વિકાસકામો કર્યાં છે. વિશાળ વિસ્તાર ધરાવતા આ જિલ્લામાં તેમણે સાડા સાત લાખ કિલો મીટરનો તેમણે પ્રવાસ કર્યો છે. સૌમ્ય સ્વભાવ ધરાવતા શ્રી ચાવડા સંગઠનમાં પ્રદેશ મહામંત્રી બન્યા ત્યારે ખુદ વડાપ્રધાન મોદીએ તેમનાં નામ માટેનું સૂચન કર્યું, તેની નોંધ લીધી હતી. ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું કે, વડાપ્રધાન શ્રી મોદીનો કચ્છપ્રેમ ક્યારેય છાનો રહ્યો નથી. ભૂકંપ બાદ આ જિલ્લાને બેઠો કરવામાં તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
આ તકે શ્રી પાટિલે શ્રી મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે મહિલાઓને અનામત આપવા સાથે આત્મનિર્ભર બનાવવા તેમજ ખેડૂતોની આવક બમણી કરી તેમને સ્વાભિમાન જીવન જીવવા માટે અમલી યોજનાની માહિતી આપી હતી. સતત ત્રીજી ટર્મ માટે કચ્છ બેઠક પરથી ચૂંટણીજંગમાં ઝૂકાવનારા વિનોદ લખમશી ચાવડાએ રાજ્યમાં એકમાત્ર કચ્છ જિલ્લો એવો હશે જેનો ઔદ્યોગિક, પ્રવાસન, કૃષી અને ડેરી ઉદ્યોગ એમ ચાર સ્થંભનો વિકાસ થયો છે. આ બધું વડાપ્રધાનની દીર્ઘદૃષ્ટિને આભારી છે. તેમણે કહ્યું કે, મારા જેવા એક નાના કાર્યકરને સતત ત્રીજી ટર્મ માટે ભાજપ પક્ષે ટિકિટ ફાળવી છે ત્યારે પક્ષ અને મતદારોએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરી બતાવીશ, તેવી ધરપત આપી હતી. પ્રભારીમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ મોદીની ગેરંટીને વિશ્વાસનું પ્રતીક ગણાવી કચ્છ સહિતની બેઠક પર વિજયનો વિશ્વાસ દેખાડયો હતો. ક્લસ્ટર પ્રભારી અમિત ઠાકર, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ દેવજી વરચંદે સ્વાગત પ્રવચનમાં બૂથ કમિટીને વધુ સશક્ત બનાવવા પર ભાર મૂક્યો હતો. આ સભા અને રોડ શોમાં અબકી બાર ચારસો કે પાર, જય શ્રી રામ અને મેં હું મોદીકા પરિવાર સૂત્રો ગાજતા રહ્યા હતા. જાહેરસભા બાદ શ્રી ચાવડા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા અને જિલ્લા ચૂંટણી અધિકારી એવા કલેક્ટર અમિત અરોરા સમક્ષ પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. શ્રી ચાવડાના ડમી તરીકે અશોક હાથીએ ફોર્મ ભર્યું હતું. જાહેરસભા અને રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. સભામાં ધારાસભ્યો કેશુભાઈ પટેલ, અનિરુદ્ધ દવે, વીરેન્દ્રંસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, કાંતિભાઈ અમૃતિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, સંગઠન પ્રભારી કશ્યપ શુકલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જિવાભાઈ આહીર, કૌશલ્યાબેન માધાપરિયા, પારુલબેન કારા, પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, કેડીસીસી બેન્કના ચેરમેન દેવરાજ ગઢવી, ડો. મુકેશ ચંદે, દિલીપ દેશમુખ, મુંબઇથી બાબુભાઇ ભવાનજી, કોમલ છેડા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, સંતો- મહંતો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ મીડિયા સેલના શૈલેષ પરમાર, જિલ્લા મીડિયા સેલના ચેતન કતિરા, સંજય મહેશ્વરી, કેતન ગોર, અનવર નોડે સહયોગી બન્યા હતા. સંચાલન પંકજ ઝાલા, તો આભારવિધિ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડ દલવાણીએ કર્યા હતા.
