Chandrababu Naidu Currency Withdrawal: આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ સોમવારે (9 નવેમ્બર) ફરી એકવાર ₹500ની નોટો ચલણમાંથી પાછી ખેંચવાની માગ કરી છે. તેમનું માનવું છે કે રોકડ વ્યવહારોને ઓછી કિંમતની નોટો સુધી મર્યાદિત રાખવાથી અને ડિજિટલ ચુકવણીને પ્રોત્સાહન આપવાથી ભ્રષ્ટાચાર પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે.
અહેવાલ મુજબ, નાયડુએ જણાવ્યું હતું કે તેમણે અગાઉ ડિજિટલ કરન્સી અંગે તૈયાર કરવામાં આવેલા અહેવાલમાં પણ આ પ્રસ્તાવ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ રજૂ કર્યો હતો. તેઓ ભવિષ્યમાં પણ આ ફેરફારની માગ ઉઠાવતા રહેશે.
તેમણે કહ્યું હતું, ‘હું આ મુદ્દે સતત મારી વાત રજૂ કરતો રહીશ. ₹500, ₹1,000 અને ₹2,000ની નોટો બંધ કરી દેવી જોઈએ. ચલણમાં માત્ર ₹100 અને ₹200ની નોટો જ રાખવી જોઈએ.’
એક પત્રકાર પરિષદને સંબોધિત કરતી વખતે તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના પ્રમુખ નાયડુએ દલીલ કરી હતી કે મોટી કિંમતની નોટોનો ઉપયોગ ઘટાડવાથી ભ્રષ્ટ પ્રવૃત્તિઓ માટે મોટા પ્રમાણમાં રોકડનો ઉપયોગ કરવો મુશ્કેલ બનશે. તેમણે આર્થિક તકો વધારવામાં ટેક્નોલોજીના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું હતું, ‘જો ટેક્નોલોજી સંપૂર્ણપણે સક્ષમ હોય, તો સંપત્તિનું સર્જન કરવું અને ગરીબી દૂર કરવી મુશ્કેલ નથી.’
નોંધનીય છે કે ગયા રવિવારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલી નોટબંધીને 10 વર્ષ પૂર્ણ થયાં હતાં. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના આંકડા દર્શાવે છે કે નોટબંધીનો અર્થતંત્રમાં રોકડનો ઉપયોગ ઘટાડવાનો હેતુ પૂરો થયો નથી. દેશના અર્થતંત્રમાં રોકડનો ઉપયોગ હજુ પણ નોટબંધી પહેલાંના સ્તરે છે. બીજી તરફ, નવી ₹500ની નકલી નોટો ઓળખાવાના કિસ્સાઓમાં પણ વધારો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે ચલણમાં વધુ પડતી રોકડનો સીધો સંબંધ ભ્રષ્ટાચાર સાથે છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વધુ રોકડના કારણે હવાલા વ્યવહાર, કાળાં નાણાં અને હથિયારોના ગેરકાયદેસર વેપારને પ્રોત્સાહન મળે છે.
નોટબંધીના મુખ્ય હેતુઓમાં દેશને રોકડનો ઓછો ઉપયોગ કરતા અર્થતંત્રમાં પરિવર્તિત કરવાનો પણ સમાવેશ થતો હતો. જોકે, RBIના આંકડા દર્શાવે છે કે આ હેતુ હજુ સુધી પૂરો થયો નથી.

