Chhattisgarh High Court Rape Verdict: છત્તીસગઢ હાઈકોર્ટે રેપના એક કેસને ‘બળાત્કારનો પ્રયાસ’ માં બદલીને એક દોષિત વ્યક્તિની સજા સાત વર્ષથી ઘટાડીને સાડા ત્રણ વર્ષ કરી દીધી. અદાલતે ચુકાદો સંભળાવતા કહ્યું કે જો ઘટના દરમિયાન પેનિટ્રેશન (પ્રવેશ) ન થયું હોય તો તેને રેપ નહીં, પરંતુ રેપનો પ્રયાસ માનવામાં આવશે.
લાઈવ લો મુજબ, અદાલતે સોમવારે (16 ફેબ્રુઆરી) 22 વર્ષ જૂના ધમતરી જિલ્લાના એક બળાત્કાર કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે પુરુષના લિંગને મહિલાના જનનાંગ (યોનિ) ની ઉપર રાખવું અને પછી પ્રવેશ (પેનિટ્રેશન) વગર ઇજેક્યુલેટ કરવું (વીર્ય પડવું) રેપ નથી. તેને ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 375 હેઠળ ‘બળાત્કાર’ ન કહી શકાય, પરંતુ તે ‘રેપનો પ્રયાસ’ છે, જેમાં આઈપીસીની કલમ 376/511 હેઠળ સજા સંભળાવવી જોઈએ.
આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ નરેન્દ્ર કુમાર વ્યાસની સિંગલ બેન્ચે પોતાના ચુકાદામાં કહ્યું, ‘આરોપીની દાનત ગુનાહિત અને સ્પષ્ટ હતી, પરંતુ પેનિટ્રેશનના નક્કર પુરાવા ન હોવાથી આ ગુનો કલમ 376 ને બદલે કલમ 376/511 અંતર્ગત આવશે.’ ઉલ્લેખનીય છે કે બળાત્કારનો આ કેસ 22 વર્ષ જૂનો છે. 2004 માં ધમતરી જિલ્લામાં એક યુવતી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો અને 2005 માં ટ્રાયલ કોર્ટે આરોપીને રેપનો દોષિત માનતા 7 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ આરોપી દ્વારા નીચલી અદાલતના નિર્ણયને છત્તીસગઢ હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
આ કેસમાં પ્રોસિક્યુશને કોર્ટમાં જણાવ્યું કે મહિલાને તેમના ઘરેથી જબરદસ્તી ખેંચીને આરોપી પોતાના ઘરે લઈ ગયો હતો, ત્યાં કપડાં ઉતારીને તેમની ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એટલું જ નહીં, પીડિતાને રૂમમાં પૂરી દઈને હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા અને મોઢામાં કપડું ડૂમો દઈ દેવામાં આવ્યું હતું, બાદમાં તેમની માતાએ તેમને છોડાવ્યા હતા. આ મામલામાં ટ્રાયલ કોર્ટે આરોપીને આઈપીસીની કલમ 376(1) અને 342 હેઠળ દોષિત ઠેરવીને સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
કેસ હાઈકોર્ટમાં પહોંચ્યા બાદ પીડિતાની જુબાની અને મેડિકલ રિપોર્ટનું ઊંડું પરીક્ષણ કરવામાં આવ્યું. પ્રારંભિક નિવેદનમાં પેનિટ્રેશનનો આરોપ હતો, પરંતુ બાદમાં પીડિતાએ સ્વીકાર્યું કે આરોપીએ માત્ર પોતાનું પ્રાઈવેટ પાર્ટ તેમની યોનિ પર રાખ્યું હતું. ડોક્ટરના રિપોર્ટમાં પણ હાઈમેન સુરક્ષિત જોવા મળ્યું. જોકે, તેમના પ્રાઈવેટ પાર્ટ્સ અને કપડાં પર સ્પર્મ મળવાની પુષ્ટિ થઈ હતી. કોર્ટે કહ્યું કે આ તથ્યો ગુનાનો પ્રયાસ દર્શાવે છે, પરંતુ આનાથી પૂર્ણ બળાત્કાર સિદ્ધ થતો નથી.
અદાલતે ચુકાદામાં કહ્યું કે પીડિતાની હાઈમેન સાજી-નરવી હતી અને રેપના કોઈ પાકા નિશાન નહોતા. ક્રોસ એક્ઝામિનેશન દરમિયાન પીડિતાએ સ્વીકાર્યું હતું કે પેનિટ્રેશન કરવામાં આવ્યું નહોતું. કોર્ટે એ નિષ્કર્ષ કાઢ્યો કે આરોપી વિરુદ્ધ રેપ કરવાની કોશિશનો ગુનો બને છે કારણ કે પૂર્ણ નહીં પણ પાર્શિયલ પેનિટ્રેશન હોઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે વીતેલા વર્ષે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મહિલાઓ સાથે જોડાયેલા જાતીય અપરાધના કેસોમાં અદાલતોની અસંવેદનશીલ ટિપ્પણીઓ પરિવાર અને આખા સમાજ પર ‘ડર પેદા કરનારી અસર’ પાડી શકે છે. અદાલતની આ ટિપ્પણી ‘સ્કિન-ટુ-સ્કિન’ સંપર્કને જાતીય સતામણી ન માનવા અને સગીરાને જ પોતાની ‘ઈચ્છાઓ પર નિયંત્રણ’ રાખવાની સલાહ બાદ સામે આવી હતી. ત્યારે અદાલતે સ્પષ્ટ કહ્યું હતું કે મહિલાઓની ગરિમા સાથે કોઈ સમજૂતી ન થઈ શકે. ભાષા અને ન્યાય, બંને સંવેદનશીલ હોવા જોઈએ.

