`કોંગ્રેસે તુષ્ટિકરણથી નિર્વાસિતોને અન્યાય કર્યો’

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 18 કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે `નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. કચ્છના ત્રણ સહિત જેમાં 188 શરણાર્થીને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા હતા. શાહે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસ અને તેના સાથીઓની સરકારોની ચોક્કસ વર્ગને સંતોષવાની નીતિના કારણે મોટી સંખ્યામાં નિર્વાસિતોને નાગરિકતાના અધિકારોથી વંચિત રખાયા હતા. શાહે હવે આ તમામ લોકો ભારતના નાગરિક ગણાશે, ગર્વભેર જીવન જીવી શકશે. આ 188 નાગરિક અન્ય શરણાર્થી નાગરિકો માટે ઉદાહરણ સમાન છે.

amit shah in lok sabha

- Advertisement -

આગામી સમયમાં તેમનાં સંતાનો ઉદ્યોગપતિ, જનપ્રતિનિધિ જેવા પદો મેળવી દેશસેવા કરશે, એવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતાં અમિત શાહે જણાવ્યું કે, 1947થી 2014 સુધી પાકિસ્તાન, બાંગલાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા, પરંતુ નરેન્દ્રભાઇએ વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યાં છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસનો ઉલ્લેખ કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, આઝાદી બાદ ધર્મના આધાર પર ભારતનું વિભાજન થયા બાદ પાડોશી દેશના લઘુમતી સમુદાયો પર અનેક પ્રકારના ઝૂલ્મ ગુજારવામાં આવ્યા. કેટલાકે પરિવાર ગુમાવ્યા તો કેટલાકે જીવનભરની મહેનતથી બનાવેલી સંપત્તિ ગુમાવી, પરંતુ તેમને ન્યાય ન મળ્યો. નોંધનીય છે કે, આ પ્રસંગે અમદાવાદના 90, મોરબીના 36, સુરેન્દ્રનગરના 20, પાટણના 18, મહેસાણાના 10, રાજકોટના 6, કચ્છના 3, વડોદરાના 3, આણંદના 2, એમ કુલ 188 શરણાર્થીએ ભારતીય નાગરિકતા મેળવી હતી. અમદાવાદ ખાતે યોજાયેલા નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે 188 જેટલા નિરાશ્રિતને નાગરિકતા આપવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શક્ય બન્યું છે.

- Advertisement -
Share This Article