Cycling Policy Study: સાયકલ માટે યોગ્ય પોલિસી બનાવીને ગ્લોબલ સાઉથ (વિકાસશીલ દેશો) ઉત્સર્જન અને પ્રદૂષણમાં ઘટાડો લાવી શકે છે. ભારત, બાંગ્લાદેશ અને ઘાનાના ચાર શહેરોમાં સાયકલ સવારો પાસેથી ફીડબેક લઈને યુનિવર્સિટી ઓફ શિકાગો અને IIT દિલ્હીના વૈજ્ઞાનિકોએ આ અભ્યાસ કર્યો છે.
સંસ્થાકીય સમર્થનનો અભાવ
આ રિપોર્ટમાં એ સ્પષ્ટ છે કે દિલ્હીમાં યુરોપ અને વિકસિત દેશોની તર્જ પર સાયકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે જે દિલ્હીની સ્થિતિમાં ફિટ બેસતું નથી. પોલિસી મેકર્સ (નીતિ નિર્ધારકો) એ લોકોની જરૂરિયાત સમજીને પ્લાન બનાવવો જોઈએ. IIT દિલ્હીના આસિસ્ટન્ટ પ્રોફેસર રાહુલ ગોયલે કહ્યું કે, સાયકલ ચલાવનારાઓની અછત નથી, પરંતુ સંસ્થાકીય સમર્થનનો અભાવ છે.
અમીર દેશોમાં સાયકલ ચલાવવી ખૂબ સામાન્ય
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઘણા અમીર દેશોમાં સાયકલ ચલાવવી ખૂબ જ સામાન્ય બની રહી છે. સ્વાસ્થ્ય લાભો અને પર્યાવરણ પરની અસરને જોતા તેને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પરંતુ આ નીતિઓ ગરીબ દેશોમાં કામ કરતી નથી. યુનિવર્સિટી ઓફ શિકાગો બાયોલોજીકલ સાયન્સ ડિવિઝનના એસોસિએટ પ્રોફેસર કવિ ભલ્લાના જણાવ્યા અનુસાર, ગરીબ અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ટ્રાન્સપોર્ટથી થતા પ્રદૂષણ અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને સાયકલ દ્વારા ઘટાડવાની ઘણી શક્યતાઓ છે.
ગ્લોબલ સાઉથના દેશોમાં સફળ નહીં થાય આ નીતિઓ
યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપના શહેરોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવામાં અસરકારક સાબિત થતી નીતિઓ ગ્લોબલ સાઉથના દેશોમાં સફળ થશે નહીં. રિપોર્ટમાં એક સરખી આવક, ગીચ વસ્તી અને સમાન સમસ્યાઓ ધરાવતા દેશોના 4 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી અને ચેન્નાઈ, ઢાકા અને અકરા (ઘાના) સામેલ છે.

