કેજરીવાલ પર હુમલો : રાજધાનીની રાજનીતિમાં ગરમાવો
નવી દિલ્હી, તા. 18 : દિલ્હીની ગાદી પર કબજો કરવા માટે સત્તાનો સંગ્રામ પરાકાષ્ઠાએ પહોંચી ગયો છે. પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારા સાથે હુમલાની ઘટના પર રાજધાનીની રાજનીતિમાં ભરશિયાળે જબરદસ્ત ગરમાવો આવી ગયો છે. સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ કેજરીવાલ પર આ હુમલો ભાજપ દ્વારા કરાવાયો છે, તેવો આરોપ મૂક્યો હતો, તો વળતા પ્રહારમાં કેસરિયા પક્ષે આરોપ મૂક્યો હતો કે, કેજરીવાલની કાર તેના કાર્યકરોને કચડતી ચાલી ગઈ હતી, જેનાં કારણે બે કાર્યકરને ઈજા થઈ છે. સામસામી આરોપબાજી સાથે `આપ’ અને ભાજપ વચ્ચે લાગેલી ઘર્ષણની આગમાં રાજકીય રોટલો શેકી લેવાની તક ઝડપી હોય તેમ કોંગ્રેસે એક કાંકરે બે પક્ષી મારવાની અદામાં દાવો કર્યો હતો કે, દિલ્હીમાં આપ અને ભાજપ બંને પક્ષથી જનતા નારાજ છે. આમ આદમી પાર્ટીએ શનિવારે એક વીડિયો જારી કરતાં દાવો કર્યો હતો કે, કેજરીવાલની કાર પર હુમલો કરી પથ્થરમારો કરાયો છે, કાળા ઝંડા બતાવાયા છે.
ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માના સમર્થકોએ ચૂંટણી પ્રચાર વખતે અરવિંદ કેજરીવાલ પર ઈંટ-પથ્થરથી હુમલો કરી, ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો, તેવો આરોપ આમ આદમી પાર્ટીએ મુક્યો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું હતું કે, ભાજપ પક્ષ હારના ડરથી બોખલાઈ ગયો છે. આ આરોપ બાદ કેસરિયા પક્ષે પલટવાર કર્યો હતો. પ્રવેશ વર્માએ જ કહ્યું હતું કે, કેજરીવાલની કાળા રંગની કાર અમારા કાર્યકરોને કચડતી ચાલી ગઇ હતી, જેમાં અમારા એક કાર્યકરનો પગ ભાંગી જતાં હોસ્પિટલે ખસેડાયા છે. હું ઇજાગ્રસ્ત કાર્યકરને લેડી હોર્ડિંગ હોસ્પિટલમાં લઇ જઇ રહ્યો છું, તેવું વર્માએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 11 વર્ષથી આપની સરકારે માત્ર ભ્રષ્ટાચાર જ નથી કર્યો, પરંતુ દિલ્હીને બરબાદ કર્યું છે. આમ આદમી પાર્ટીએ `એક્સ’ પર પોસ્ટ શેર કરતાં પ્રહાર કર્યા હતા કે, હારના ડરથી બોખલાઇને ભાજપે પોતાના ગુંડાઓ દ્વારા કેજરીવાલ પર હુમલો કરાવ્યો છે.
ભાજપવાળાઓ, તમારા આ કાયરતાભર્યા હુમલાથી કેજરીવાલ ડરવાના નથી. દિલ્હીની જનતા આવાં કૃત્યનો તમને આકરો જવાબ આપશે તેવા પ્રહાર `આપ’ દ્વારા કરાયા હતા. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે દાવો કર્યો હતો કે, દિલ્હીમાં જનતા બંને પક્ષથી ભારે નારાજ છે. આપણાં લોકતંત્રમાં હિંસા માટે કોઈ સ્થાન નથી. કેજરીવાલે અનેકવાર અગાઉ નાટકો કર્યાં?છે, એટલે તેમની વિશ્વસનીયતા બચી નથી. જનતા નારાજગીનો જવાબ મતદાન મારફતે આપે, તેવી અપીલ પણ તેમણે કરી નાખી હતી. દરમ્યાન દિલ્હી પોલીસે કહ્યું હતું કે, કેજરીવાલ પર કોઇ હુમલો થયો નથી, લાલ બહાદૂર સદનમાં એક બેઠક દરમ્યાન ભાજપ અને આપના સભ્યો વચ્ચે નારેબાજી થઇ હતી.

