પોરબંદર તા. 15 : પોરબંદરનો દરિયો ડ્રગ્સનો દરિયો બની ગયો હોય તેમ અવારનવાર કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાઇ રહ્યું છે, ત્યારે વધુ એક જહાજમાંથી એન.સી.બી., ભારતીય નૌકાદળ અને ગુજરાત એ.ટી.એસ.એ સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરીને અંદાજે 3500 કરોડ રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો કે જેનું વજન અંદાજે 700 કિ.ગ્રા. થવા જાય છે, તે પકડી પાડવામાં આવ્યો છે અને પોતાની જાતને ઇરાની ગણાવતા આઠ જેટલા ઇસમને પોરબંદર ખાતે પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે ગઇકાલે સુરક્ષા એજન્સીઓએ એવી બાતમી મળી હતી કે, એક કન્સાઇનમેન્ટમાં વિશાળ માત્રામાં મેથામ્ફેટામાઈન ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘૂસાડવામાં આવી રહ્યો છે.
આ માહિતીના આધારે એન.સી.બી., ભારતીય નૌકાદળ અને એ.ટી.એસ. ગુજરાત દ્વારા આઇ.એમ.બી.એલ. નજીક ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. `ઓપરેશન સાગરમંથન-4′ નામ આપવામાં આવ્યું હતું અને શંકાસ્પદ હાલતમાં પસાર થતું એક જહાજ સુરક્ષા એજન્સીઓએ અટકાવ્યું હતું અને આ ઓપરેશન હેઠળ જહાજના સભ્યોને શંકાસ્પદ રીતે પકડી પાડવામાં આવ્યા બાદ જહાજની અંદર તપાસ કરતાં મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું હતું.
ઓપરેશન સાગરમંથન હેઠળ પકડી પાડવામાં આવેલા આઠ જેટલા સભ્યની પૂછપરછ કરવામાં આવતાં તેઓ ઇરાની હોવાનો દાવો કરી રહ્યા છે, પરંતુ તેની પાસેથી તે ઇરાની છે, તેવો કોઇ પૂરાવો મળ્યો નથી. સતત ગુપ્ત માહિતી અને વિશ્લેષણના પરિણામે પાર પાડવામાં આવેલાં ઓપરેશનમાં તપાસ હાથ ધરવામાં આવતાં આ જહાજનું રજિસ્ટ્રેશન પણ થયું નથી, તેવું એજન્સીની તપાસમાં બહાર આવ્યું હતું. ભારતની પ્રાદેશિક જળસીમામાંથી સુરક્ષા એજન્સીઓએ પકડેલાં જહાજની તલાસી લેતાં તેમાંથી અંદાજે 700 કિલોગ્રામ જેટલું `મેથવાસ’ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની બજાર કિંમત રૂા. 3000થી 3500 કરોડ રૂપિયા જેવી થવા જાય છે.
જુદી-જુદી સુરક્ષા એજન્સીઓએ આ તમામ શખ્સોની આકરી પૂછપરછ કરવાની હોવાથી વધુ તપાસ માટે પોરબંદર લાવવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઇરાનના મનાતા આઠ જેટલા નાગરિક અને ટ્રક ભરીને ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ પોરબંદરના પોર્ટની જેટી ખાતે લાવવામાં આવ્યા બાદ તેને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસ.ઓ.જી.) ખાતે પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા છે, જ્યાં જુદા-જુદા પ્રકારની સુરક્ષા એજન્સીઓ દ્વારા આ ઇસમોની દુભાષિયાઓની મદદથી પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે `એક્સ’ પર લખ્યું હતું કે, આ ઓપરેશન નશીલા પદાર્થો સામેની સરકારની પ્રતિબદ્ધતાનું મજબૂત ઉદાહરણ છે.

