નવી દિલ્હી, તા. 23 : અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં વાદળ ફાટવાથી પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. અનેક મકાન ધરાશાયી થઇ ગયાં હતાં અને વાહનોને નુકસાન થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઘણી જગ્યાઓ પર ભેખડો ધસી પડી હતી. નાગરિકોને ત્યાં ન જવાની સલાહ દેવામાં આવી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-415 પર પાણીના ભરાવાને કારણે ઘણા વાહનો ફસાઇ ગયાં છે.

બીજીતરફ આસામમાં આશરે એક સપ્તાહથી વરસાદ થઇ રહ્યો છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે, પૂરથી 19 જિલ્લામાં લગભગ ચાર લાખ લોકોને અસર પહોંચી છે. આ વર્ષે પૂર અને ભેખડ ધસવાના બનાવોમાં મૃતકોની સંખ્યા 37 થઇ ગઇ છે. પૂરથી અસર પામેલા લોકો માટે સરકારે 100 જેટલા રાહત કેમ્પ લગાવ્યા હતા. રાહત સામગ્રી દેવા માટે 125 કેન્દ્ર બનાવાયાં છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત 11 રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. મધ્યપ્રદેશના માલવા વિસ્તાર ઉપરાંત ગોવા, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. ગૃહમંત્રી અમિત શાહે ચોમાસાં દરમ્યાન દેશના વિવિધ ભાગોમાં સંભવિત પૂરનો સામનો કરવા માટેની તૈયારીઓની સમીક્ષા માટે બેઠક યોજી હતી, જેમાં ગૃહ, જળ સંસાધન, નદી વિકાસ, પૃથ્વી વિજ્ઞાન, પર્યાવરણ, સડક પરિવહન મંત્રાલયો અને વિભાગોના સચિવ, રેલવે બોર્ડના અધ્યક્ષ, એનડીએમએના અધિકારીઓ પણ જોડાયા હતા.

