Gurugram Retired Colonel Assault: ગુરુગ્રામના રસ્તાઓ પર એક સામાન્ય ટક્કરે અચાનક એવો વળાંક લીધો, જેની કલ્પના પણ કરી શકાતી નહોતી. નિવૃત્ત કર્નલ અનિલ યાદવ, જેમણે સરહદો પર દેશની રક્ષા કરી, જ્યારે શહેરના વ્યસ્ત રસ્તા પર એક સામાન્ય અકસ્માત ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને અંદાજ નહોતો કે આગામી થોડી જ મિનિટોમાં તેઓ નશામાં ધૂત કેટલાક યુવકોની નિર્દયતાનો શિકાર બનવાના છે. સૌથી વધુ ખૂંચનારી વાત એ નહોતી કે તેમને માર મારવામાં આવ્યો, પરંતુ હુમલાખોર યુવકોએ ગર્વથી કહ્યું કે ફોજ સાથે કોઈ લેવાદેવા નથી… અમે જમીનદારના દીકરા છીએ.
શું છે સમગ્ર મામલો?
કર્નલ યાદવના જણાવ્યા અનુસાર, ઘટના ત્યારે બની જ્યારે તેઓ પોતાની કારમાં ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવેલી એક કાર અચાનક તેમની લેનમાં ઘૂસી ગઈ. તેમણે તરત જ બ્રેક લગાવી, છતાં પણ હળવી ટક્કર થઈ ગઈ. તેઓ ગાડીમાંથી નીચે ઉતરીને નુકસાનનો અંદાજ મેળવવા અને સામાન્ય વાતચીત કરી મામલો ઉકેલવા જ જઈ રહ્યા હતા કે બીજી કારમાંથી પાંચ-છ યુવકો બહાર નીકળ્યા. બિયરની બોટલો હાથમાં, અને સ્પષ્ટપણે નશાની હાલતમાં. સ્થિતિ બગડતી જોઈ તેઓ પોતાની કારમાં પાછા ફર્યા, પરંતુ દરવાજો બંધ કરે તે પહેલા જ હુમલાખોરોએ તેમને ખેંચીને બહાર કાઢ્યા. કર્નલ યાદવ જણાવે છે કે તેમણે તરત જ કહ્યું કે “હું માનું છું કે અકસ્માત થયો છે, નુકસાન હું ભરી આપીશ. હું સેનાનો પૂર્વ અધિકારી છું.”
“અમે જમીનદારના દીકરા છીએ”
પરંતુ હુમલાખોરોએ મહેણાં મારતા જવાબ આપ્યો “અમે પણ જમીનદારના દીકરા છીએ… ફોજ-વોજ સાથે અમને કોઈ લેવાદેવા નથી.” આ પછી હુમલાખોરોએ તેમના પર સતત હુમલો શરૂ કરી દીધો. તેમનો મોબાઈલ ફોન, કારની ચાવી અને તેમની તાંબાની પાણીની બોટલ છીનવી લીધી. તે જ બોટલથી તેમના માથા પર હુમલો કરવામાં આવ્યો અને તેમનું માથું ગાડી સાથે અથડાવ્યું. પડ્યા પછી તેમની છાતી અને પાંસળીઓ પર લાત મારવામાં આવી.
ભીડ વધતી જોઈ આરોપીઓ તેમને પાસે પડેલી પોતાની i20 કારમાં ઠાંસીને લઈ જવાનો પ્રયાસ કરવા લાગ્યા. ધમકી આપી કે કાં તો તેઓ પૈસા આપે અથવા માર ખાવાનું ચાલુ રાખે. કર્નલ યાદવે કોઠાસૂઝ બતાવતા તેમને કહ્યું કે તેઓ UPI થી પૈસા ટ્રાન્સફર કરી દેશે જેથી ડિજિટલ ટ્રેલ રહે. આખરે તેમણે ₹૩૦,૦૦૦ ટ્રાન્સફર કરી પોતાનો જીવ બચાવ્યો.
તમામ ૫ આરોપીઓની ધરપકડ
હુમલાની જાણકારી કોઈ રાહદારીએ પોલીસને આપી. પોલીસ પહોંચી ત્યાં સુધી કર્નલ યાદવ હોસ્પિટલમાં દાખલ થઈ ચૂક્યા હતા. ગુરુગ્રામ પોલીસે આ મામલામાં પાંચેય આરોપીઓ પંકજ, વિકાસ, નિખિલ, સાહિલ અને અંકિતની ધરપકડ કરી લીધી છે. આમાંથી ત્રણ એક કંપનીમાં કામ કરે છે, જ્યારે બે વિદ્યાર્થીઓ છે. કર્નલ યાદવે કહ્યું કે સૌથી વધુ પીડા એ વાતની છે કે “આજની યુવા પેઢી ન તો વડીલોનું સન્માન કરે છે, ન તો વર્દીવાળાનું.” તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આવા લોકો એક સેના અધિકારી સાથે આવો વ્યવહાર કરી શકે છે, તો સામાન્ય નાગરિકો ખાસ કરીને રસ્તા પર એકલી મહિલાઓની સુરક્ષા કેટલી જોખમમાં છે.

